ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી વટારીયાના કથીત ચાર ડિરેકટરો દ્વારા સંસ્થાના વહીવટદારોએ ઓજીએલ હેઠળ ખાંડ એક્સપોર્ટ કરવા બાબતે ગેરવહીવટ કર્યાના આક્ષેપો સાથે ખાંડ નિયામકને રજૂઆત કરી તે બાબતના છાપાઓમાં તેઓના નામથી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે સંપુર્ણ પોકળ રવિવારે સુગરની યોજાયેલી બોર્ડ મીટીંગમાં સાબિત થયા હતા. ઉપરોક્ત બાબતોથી સંસ્થાના ચેરમેન કરસનભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર કિશોરસિંહ માંગરોલા દ્વારા ખુલાસો કરાયો હતો. તેમજ પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા ખાંડ નિયામકને ઉપરોક્ત બાબતે આસપાસની સુગર ફેકટરીઓના ભાવો સાથે તુલના કરવા માટે લેખિત રજૂઆત કરી તપાસ કરવાનો પત્ર લખાયો હતો.
સંસ્થાને બદનામ કરવાના ઇરાદાથી કઠીત ચાર ડિરેકટરો દ્વારા કરાયેલા આક્ષેપો પાયા વિહોણા અને પોતાની મહત્વકાંક્ષા પોષવા માટે અને સસ્તી પ્રસિદ્ધિ માટે વારંવાર આવા કૃત્યો કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ મુદ્દા અંગે ગત 19 મી સપ્ટેમ્બરના રોજ વ્યવસ્થાપક સમિતિની મીટીંગ વટારીયા ખાતે મળી હતી. જેમાં કઠીત ૪ ડીરેકટરને ચેરમેન કરસનભાઈ પટેલ અને બોર્ડના સભ્યો દ્વારા ખુલાસો કરવા માટે જણાવતા તેઓ કોઈ સંતોષકારક ખુલાસો રજૂ કરી શક્યા નહોતા કે આધાર પુરાવા રજુ કરી શક્યા નહોતા.
જેના કારણે હાજર ડિરેક્ટરઓએ તેઓને ઠપકો આપતા સંસ્થાને બદનામ ન કરવા માટે જણાવ્યું હતું. તેમજ કઠીત ચાર ડિરેકટરો દ્વારા છાપાઓમાં અમારા તરફથી કોઈ સમાચાર આપવામાં આવ્યા નથી એવો લુલો બચાવ કરવામાં આવ્યો હતો. બોર્ડના સભ્યોએ સંસ્થાના ચેરમેન કરસનભાઈ પટેલને રજુઆત કરતા તેઓ દ્વારા આ અંગે છાપાઓમાં પ્રસિદ્ધ કરનાર સામે બદનક્ષીનો દાવો કરવા બોર્ડને ખાતરી આપી હતી. તેમજ કઠીત ડિરેકટરો સામે કલમ ૩૬ અને ૭૬ હેઠળ કાર્યવાહી સાથે ખાંડ નિયામકને દરખાસ્ત તાત્કાલિક મોકલવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ચેરમેન અને બોર્ડના સભ્યોનું રૂખ પારખી ગયેલા કઠીત ડિરેક્ટરો ખુલ્લા પડી ગયાનું અને ભોંઠા પડેલાનો અહેસાસ તેઓના ચહેરા ઉપરથી જોવા મળતો હતો.
ચેરમેન અને બોર્ડે તેઓને ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા માટે પણ સચેત કર્યા હતા. ગણેશ સુગરના તમામ ૧૮ હજાર સભાસદો તેમજ ૧૦ તાલુકાના કાર્ય વિસ્તારના તમામ ખેડૂતોના આર્થિક જીવાદોરી માટેની આ સંસ્થાને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈક ના હાથા બની જઈને કાર્યવાહી ન કરવા પણ ચેરમેન કરશનભાઇ પટેલ અને બોર્ડના સભ્યો દ્વારા કઠીત ડિરેક્ટરોને ટકોર કરવામાં આવી હતી.