રશિયાની પર્મ શહેરની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થી દ્વારા જ કરવામાં આવ્યું છે, જેમાં 8 લોકોના મોત થયા છે અને 10થી વધારે લોકો ઘાયલ થયા છે. રશિયા ની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીને હાલ બંધ કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
હુમલા બાદ યુનિવર્સિટીથી એક હચમચાવી નાખતો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અંધાધૂંધ ફાયરિંગ બાદ વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદીને ભાગતા જોવા મળી રહ્યા છે. હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે પર્મ સ્ટેટ યુનિવર્સિટી પર આ હુમલો આતંકી હુમલો છે કે નહીં. અથડામણ બાદ સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર કર્યો છે. યુનિવર્સિટીના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે, હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગોળીબાર કયા કારણોસર કરાઈ છે. હુમલાખોર પાસે અન્ય કોઈ હાનિકારણ હથિયાર નથી. પર્મ સ્ટેટ યુનિવર્સિટીની પ્રેસ સર્વિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, અમુક વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાને રૂમની અંદર બંધ કરી દીધા છે.
યુનિવર્સિટી ઓથોરિટી તરફથી તેમને કેમ્પસ ના છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં હુમલાખોર હાથમાં રાઈફલ લઈને ઘૂમી રહ્યો છે. અત્રે જણાવવાનું કે રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટી ખુબ ફેમસ યુનિવર્સિટી છે. અહીં વિદ્યાર્થીઓ દૂર દૂરથી ભણવા માટે આવે છે. પરંતુ અચાનક ફાયરિંગની ઘટનાએ દહેશત પેદા કરી દીધી છે. મળતી માહિતી મુજબ અજાણ્યા હુમલાખોરે વિદ્યાર્થીઓ પર અચાનક જ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધુ દીધુ હતું જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
નોંધનીય છે કે રશિયામાં અગાઉ પણ આવા આતંકી હુમલા થઈ ચૂક્યા છે. ચેચન્યામાં થોડા વર્ષો પહેલા કેટલાક આતંકી હુમલા થયા હતા. રશિયા પોતાના દેશની આંતરિક સુરક્ષા બાબતે ખુબ જ અલર્ટ રહે છે. પર્મ યુનિવર્સિટી રશિયાની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંથી એક છે. તેની સ્થાપના ઈ.સ. 1916માં કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી પર્મમાં સેન્ટ પીટસબર્ગ યુનિવર્સીટીની બ્રાન્ચ તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. રશિયાની સરકારે આર્થિક વિસ્તારની ભૌગોલિક અને સાંસ્કૃતિક રણનીતિને ધ્યાનમાં રાખીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટીને શરૂ કરવાનો હેતુ ઉરાલ લોકો વચ્ચે શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ આઈડિયાને ડીઆઈ મેનદેલીવ અને અન્ય લોકોએ સપોર્ટ કર્યો હતો.