બરોડા ડેરીનો વિવાદ ફરી વકર્યો છે. એકવાર સમાધાન થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર મોરચો માંડ્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા કેતન ઈનામદારે ફરી આંદોલન શરૂ કર્યું છે. આજે કેતન ઈનામદાર અને ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ કરવામાં આવી છે. બરોડા ડેરી દૂધના ભાવફેર અંગે યોગ્ય નિર્ણય ન લેવા માટે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ બાબતે ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા), વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે કેતન ઇનામદારને ટેકો આપ્યો છે અને પશુપાલકોને યોગ્ય ભાવ આપવાની માગ કરી છે. આ મામલે બરોડા ડરીમાં ધારાસભ્યો કેતન ઇનામદાર અને અક્ષય પટેલની આગવાનીમાં પશુપાલકો દ્વારા ડેરી પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, દૂધમાં યોગ્ય ભાવફેર અંગે સત્તાધિશો સાથેની બેઠકમાં કોઇ નિવેડો આવ્યો નહોતો. જેથી કેતન ઇનામદાર બેઠક છોડીને નીકળી ગયા હતા.
જો કે, કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક હવે ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં કરવાના છે.બરોડા ડેરીનો વિવાદ સતત વધી રહ્યો છે. ધારાસભ્યો અને બરોડા ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ થઈ છે. ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા બેઠક રદ કરવામાં આવી છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને ગુરૂવારથી બરોડા ડેરીની સામે તંબુ તાણીને બેસી રહીશું. બીજી તરફ બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે જે થાય તે ભાવ અમે પશુપાલકોને અમે આપીએ છીએ. વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે આ વિવાદનો 24 કલાકમાં અંત લાવીશું.
બેઠક રદ થયા બાદ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોએ રણનીતિ બદલી છે. ધારાસભ્યો હવે સર્કિટ હાઉસમાં બેઠક કરવાના છે. જેમાં દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર રહેશે. કેતન ઈનામદાર દ્વારા બરોડા ડેરી દ્વારા પશુપાલકો-સભાસદોને યોગ્ય ભાવ ન આપી ડેરી અન્યાય કરી રહી હોવાનો તેમજ ડેરી પર ભ્રષ્ટાચારના આરોપ મૂકતો પત્ર સહકાર મંત્રીને લખતા વિવાદ ઊભો થયો હતો. ડેરીના ચેરમેન દિનુમામા અને કેતન ઈનામદાર વચ્ચે શાબ્દિક યદ્ધ શરૂ થયું હતું. દરમિયાન પાદરા તાલુકામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધ્યાને આ વિવાદ આવતાં તેમણે નેતાઓને સામસામે બેસાડીને વિવાદનો ઉકેલ લાવવાનું જણાવતાં પરાક્રમસિંહ જાડેજા,સાંસદ રંજનબેન ભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન કોયલીએ દિનુમામા અને કેતન ઈનામદાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું.