ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ હાઇવે પર એક એસ.ટી બસને રોડ પરના ખાડાને લઇને અકસ્માત નડતા ૧૦ વ્યક્તિઓને ઇજા થઇ હતી.
વિગતો મુજબ બીલીમોરા એસટી ડેપોની એક બસ લઇને ગતરોજ સાંજના છ વાગ્યાના અરસામાં એસટી ડ્રાઇવર કનુભાઈ પટેલ બસના કંડક્ટર શાંતિલાલ પટેલ સાથે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવલી ગામે પહોંચ્યા હતા. આછવલી ગામેથી એસ.ટી બસમાં ૩૩ જેટલા દર્શનાર્થીઓને બસમાં બેસાડી ઊંઝા નજીક આવેલ ઉનાવા ખાતે દરગાહના દર્શનાર્થે લઈ જવા રવાના થયા હતા. આ એસ.ટી બસ અંકલેશ્વર પસાર કર્યા બાદ અંકલેશ્વરથી ભરૂચ ટોલ ટેક્ષ તરફ આવતા મુલદ બ્રિજ નજીક રોડ પર હાઇવે ઉપર પડેલા ખાડામાં જ્યાં વરસાદી પાણી ભરાયેલુ હતુ તેમાં બસનુ આગળનુ વ્હીલ પડ્યુ હતુ. એને લઇને બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સાઇન બોર્ડના લોખંડના પોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસટી બસનો આગળનો ભાગ દબાઈ જતા ચાલક કનુભાઈ પટેલનો પગ ક્લચના પતરા સાથે દબાઈ ફસાઈ ગયો હતો. અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા દર્શનાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. કંડકટર સહીત ઈજાગ્રસ્ત ૯ જેટલા પેસેન્જરોને ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. હાઈવેની ફાયર ટીમ આવી જતા તેઓએ ફસાયેલા એસ.ટી ચાલક કનુભાઈ પટેલને એસટી બસનું પતરૂ કાપી બહાર કાઢી તેમને પણ ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા. અકસ્માતમાં કેટલાક પેસેન્જરોને પગમાં ફેક્ચર પણ થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. એસટી બસને થયેલ અકસ્માત બાબતે એસ.ટી બસના ચાલક કનુભાઈ બાગુલભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા પોલીસે એસ.ટી બસના ચાલક કનુભાઈ બાગુલભાઈ પટેલ સામેજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ