રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ અલગ ખર્ચ સહિત નાફેડ વેચવા સમયાંતરે પ્રયત્ન કરે છે. જો કે આ ભાવ ઊંચા પડે છે તેમ કહીને ખરીદી કરાતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે. આ રીતે ભાવ વધારો કરીને નાફેડના ગોડાઉનની મગફળી પણ સસ્તાભાવે લેવાનો પ્રયાસ કરવા ઘણા તત્વોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે. લોકો પર મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવ વધવાના અટકતા લોકો રાહત અનુભવી રહ્યા હતા ત્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ખાદ્યતેલે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે.
ફરી એકવાર ખાદ્યતેલમાં ભાવ વધારો ઝીંકાયો છે. ગુજરાતમાં હવે શ્રાવણ મહિનાથી તહેવારોની સીઝન શરૂ થતી હોય છે. તે છેક દિવાળી સુધી ચાલતી હોય છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ તહેવારો. આવામાં વચ્ચે ભીંસાતા નાગરિકો. તેમાં પણ મોંઘવારીએ નાગરિકોના નાકમાં દમ કરી દીધો છે. આવામાં તહેવારો પર જ સિંગતેલ ના ભાવ સળગ્યા છે. સિંગતેલ માં વધુ 20 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, ત્રણ દિવસમાં જ સિંગતેલ ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે.
કપાસિયા તેલમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે. તો પામોલીન તેલમાં બે દિવસમાં રૂપિયા 15 નો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2365 થી 2415ના ભાવે વેચાતો હતો, જે ભાવ વધી 2405 થી 2455 રૂપિયા થયો છે. તો સિંગતેલના ડબ્બામાં રૂપિયા 20 વધતા 2535 થી લઈ 2585 રૂપિયા સુધીના સોદા થયા છે. માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ 1150 થી 1400 રૂપિયા જ્યારે કપાસનો મણનો ભાવ 1000 થી 1300 રૂપિયામાં સોદા થયા છે.