આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યભરમાં 400 થી વધુ સ્થળોએ ગરીબોની બેલી સરકાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ 11 જેટલા સ્થળોએ વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના જરૂરતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 યોજના અંતર્ગત આવતીકાલે દરેક કાર્યક્રમ સ્થળે 100 લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવશે.
ગોધરામાં સરદાર નગરખંડ અને સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે, કાલોલ તાલુકામાં નગરપાલિકા હોલ, કાલોલ અને જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર ખાતે, હાલોલ તાલુકામાં નગરપાલિકા હોલ, હાલોલ તેમજ અરાદ પ્રાથમિક શાળા- અરાદ, શહેરા તાલુકામાં નગરપાલિકા હોલ, શહેરા અને ડોકવા પ્રાથમિક શાળા-ડોકવા, ઘોઘંબા તાલુકામાં સ્વામીનારાયણ મંદિર-ઘોઘંબા, મોરવા (હ) તાલુકામાં સરકારી વિનયન કોલેજ-મોરવા (હ) તેમજ જાંબુઘોડા તાલુકામાં મહાત્મા ગાંધી હોલ, જાંબુઘોડા ખાતે આ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં કોરોના કાળ દરમિયાન માતા કે પિતા ગુમાવનાર જિલ્લાનાં 312 જેટલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ પ્રતિ માસ બે હજારની સહાયના મંજૂરી હુકમો પણ આવતીકાલે વિતરીત કરવામાં આવશે. આ તમામ બાળકોના બેંક ખાતામાં સહાયની રકમ ડી.બી.ટી. મારફત જમા કરાવવામાં આવશે.
પંચમહાલ રાજુ સોલંકી