ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વીજ કંપનીમાં ફરજ બજાવતા લાઇન ઇન્સપેક્ટરનુ ખડોલી ગામ પાસે કન્ટેનરની ટક્કરે કરૂણ મોત થવા પામ્યુ છે. અકસ્માતની જાણ થતા રાજપારડી પોલીસ તેમજ રાજપારડી વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ લાઇન ઇન્સપેક્ટરનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.
મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના મોટાસાંજા ગામના નટવરભાઇ વિઠ્ઠલભાઇ વસાવા રાજપારડી ગામે વીજ કંપનીમાં લાઇન ઇન્સપેક્ટર તરીકે છેલ્લા સાતેક વર્ષથી ફરજ બજાવતા હતા. ગઇકાલે બુધવારના રોજ સાંજે રાજપારડીથી બાઇક લઇને પોતાના ઘરે જતા હતા તે દરમિયાન સીમોદરા પાસે પોતાનુ ટીફિન કચેરીમાં જ ભુલી જવાનુ યાદ આવતા ત્યાથી પરત રાજપારડી કચેરી ખાતે ટિફિન લેવા બાઇક લઇને જતા હતા, ત્યારે તે દરમિયાન ખડોલી ગામ પાસે એક પર પ્રાંતિય પાર્સિંગના કન્ટેનરે પાછળના ભાગથી જોરદાર ટક્કર મારતા લાઇન ઇન્સપેક્ટર બાઇક સાથે ડિવાઈડર પર પડી જતા ગંભીર ઇજાઓ થવા પામી હતી, અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ કન્ટેનરનો ચાલક નાસી ગયો હતો. રાજપારડી પોલીસે અકસ્માત સંદર્ભે ફરિયાદ નોંધી ફરાર કન્ટેનરના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ