રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા શપથ લીધા બાદથી નવા મંત્રી મંડળમાં કોનો કોનો સમાવેશ થશે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી, રાજ્યના વિવિધ જિલ્લાના ભાજપના ધારાસભ્યોને મંત્રી બનવા કોલ આવ્યો કે નહીં તે બાબતો જાણવા પ્રિન્ટ મીડિયાથી લઇ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ અને ધારાસભ્યોના કરીબીઓમાં રેસ જામી હતી.
ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું નામ છેલ્લા બે દિવસથી મંત્રી મંડળના સંભવિત ઉમેદવારોમાં ચર્ચામાં આવ્યું હતું, પરંતુ આજે બપોરે લેવાનારા શપથ વિધિ સમારંભમાં છેલ્લી ઘડી સુધી દુષ્યંત ભાઈને કોલ ન આવતા આખરે સાંસદ મનસુખ વસાવાએ મેદાનમાં ઉતરી બાજી સંભાળવી પડી હતી અને પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર ખુલીને તેઓએ લખ્યું હતું કે ભરૂચ જિલ્લાના કોઈ ધારાસભ્યને સમાવેશ ન કરતા લોકોમાં ખૂબ જ નારાજગી ઉભી થશે તેમ પોસ્ટ મૂકી જાણે કે પાર્ટી સામે પ્રેશર ઉભું કર્યું હોય તેવી સ્થિતીનું સર્જન કર્યું હતું.
બીજી તરફ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ મંત્રી બનવાના છે અને તેમને કોલ આવ્યો છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને કેટલીક ન્યુઝ ચેનલોએ પણ સત્તાવાર કનફર્મ કર્યા વિના હું પહેલા જેવી નીતિ અપનાવી લોકો વચ્ચે વહેતા કરતા ભરૂચ મત વિસ્તારમાં દુષ્યંતભાઈ પટેલને શુભેચ્છાઓનો મારો ચાલુ થયો હતો, જોકે મંત્રી મંડળની શપથ વિધિમાં દુષ્યંતભાઈ સ્ટેજની સામે જ બેઠા હોય તેમ નજરે ચઢતા તેઓના સમર્થકો આખરે પોસ્ટ ડીલીટ કરવામાં જોતરાયા હતા..!
આમ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સોશિયલ મીડિયામાં મંત્રી બની ગયા શુભેચ્છાઓ પણ મળી ગઈ અને ખરા અર્થમાં પાર્ટી તરફથી મંત્રી પદ ન આપતા તેઓના સમર્થકોમાં પણ છૂપો રોષ ઉભો થયો હતો, રૂપાણી સરકારમાં એક માત્ર મંત્રી પદ ઈશ્વર સિંહ પટેલ પાસે હતું પરંતુ એ પણ હવે ન રહેતા જાણે કે ભરૂચ જિલ્લામાંથી મંત્રી પદ અચાનક જ પુરના પાણીની જેમ વહી ગયુ હોય તેવી લોકોચર્ચા લોકોમાં કેન્દ્ર સ્થાને જોવા મળી હતી.