ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે છેલ્લા ૨૦૦ વર્ષ જેટલા સમયથી નિરંતર અખો નામનો હોમ કરવામાં આવે છે. રાણીપુરા ગામના તત્કાલિન વડીલ બાલકૃષ્ણ જોષીએ તે સમયે આ પરંપરા છેલ્લા ૨૦૦ જેટલા વર્ષોથી ચાલી આવતી હોવાનુ જણાવ્યુ હોવાની વાત અત્યારના વયોવૃદ્ધ વડીલો જણાવે છે. હવન કરવા પાછળનો શુભ હેતુ ગ્રામજનોનું આસુરી શક્તિઓથી રક્ષણ કરવાનો હોય છે. ઉપરાંત ગ્રામજનોના આરોગ્ય અને સુખાકારીનો પણ આ હવનનો આશય હોય છે. ગ્રામજનો દ્વારા હવનનું આયોજન થાય છે. હવન માટે દરેક વ્યક્તિ સ્વૈચ્છિક ફાળો આપે છે. ગામના યુવાનોની જહેમતથી હવનનું આયોજન કરવામાં આવે છે. હવનના સ્થળેથી લઇને અવિરત દૂધની ધાર સાથે દોરા વડે ગામની ચારેબાજુ રક્ષારુપી કવચ બાંધવામાં આવે છે. ગામની દરેક શેરીઓમાં લીમડો શ્રીફળ અને કોપરાની વાટીનું તોરણ બાંધવામાં આવે છે. રાણીપુરા ગામની આ ૨૦૦ વર્ષ જૂની પ્રાચિન સંસ્કૃતિની ઝલક એવી પરંપરા આજના ડિજિટલ યુગમાં પણ અકબંધ જળવાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ