– માંગરોળ સહિત ચાર તાલુકાના દર્દીઓને હવે સુરત ભરૂચ અંકલેશ્વર જવું નહીં પડે.
– ઈમરજન્સી આરોગ્ય સેવા નવનિર્મિત હોસ્પિટલમાં મળી રહેશે.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે દાતાઓના સહયોગથી શ્રદ્ધા સબુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરાયેલ અંત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન માનવ સેવા સંઘ છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ સહિત અનેક નામી હસ્તીઓ ની ઉપસ્થિતિમાં સુરતના અગ્રણી મહેન્દ્રભાઈ કતારગામવાળાના હસ્તે કરાયું હતું.
વાંકલ ગામે નિર્માણ થયેલ શેહરી કક્ષાની સુવિધા ધરાવતી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ માંગરોળ સહિત ચાર તાલુકાના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. અત્યારસુધી ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઈમરજન્સી આરોગ્ય સેવા માટે ભરૂચ, સુરત, અંકલેશ્વર સુધી જવું પડતું હતું. પરંતુ શ્રદ્ધા સબુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શિરીષભાઈ નાયક તેમજ વાંકલ ગામના કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ સહિત અનેક નાના મોટા દાનવીરોના પ્રયાસથી આજે ગ્રામ્ય વિસ્તારમાં એક શહેરી કક્ષાની ઉત્તમ અને અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થયું છે. વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગીય સહિત તમામને આધુનિક સંશાધન દ્વારા નિપુણ ડોક્ટરના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ નિદાન અને સારવાર રાહત દરથી કરવામાં આવશે. હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે વાંકલના અગ્રણી સંજયભાઈ દેસાઈએ હોસ્પિટલ નિર્માણના સેવાકાર્યમાં છુટા હાથે દાન આપનારા તેમજ અન્ય રીતે મદદરૂપ થનારા નાના-મોટા અનેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દીપકભાઈ વસાવાએ આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલનું નિર્માણ કરવા બદલ આભાર માન્યો હતો. ઉદ્ઘાટક મહેન્દ્રભાઈ કતારગામ વાળા તેમજ સમારંભના પ્રમુખ ભરતભાઈ શાહએ પોતાના જીવનના સેવાલક્ષી કાર્યોના અનેક અનુભવો રજુ કર્યા હતા અને ખરા અર્થમાં વિસ્તારના ગરીબ જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહે તેવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. અંતમાં દસ વર્ષના સતત પ્રયાસ બાદ વાંકલ ગામે હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરનાર શ્રદ્ધા સબુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સિરીષભાઈ નાયકની સેવાઓને બિરદાવી હતી. તેમજ હોસ્પિટલ નિર્માણ મહત્વનું યોગદાન આપનાર સ્થાનિક અગ્રણી સંજયભાઈ દેસાઈ સહિત બંને સેવાભાવી આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓના પરિવારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સુરતના ખ્યાતનામ બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર બીપીન ભાઈ દેસાઈ, લાર્સન ટુબ્રો કંપનીના પ્રતિકભાઇ દેસાઈ, દિપક વસાવા, લીનાબેન દેસાઈ જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ, બળદેવભાઈ પ્રજાપતિ, નારણભાઈ પટેલ, ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા, જગદીશભાઈ ગામીત, સરપંચ ભરતભાઈ વસાવા હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ