ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ ગત તા.પાંચમીના રોજ શિક્ષકદિનના દિવસે ઝઘડીયા તાલુકાની મોરતલાવ પ્રાથમિક શાળાના આચાર્ય કિરીટભાઈ રતિલાલભાઈ વસાવાને ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ સાંસદ મનસુખભાઇ વસાવા, કલેકટર ભરૂચ, તેમજ ધારાસભ્યની હાજરીમાં ડિડિઓના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. કિરીટભાઈએ તેમની ૨૧ વર્ષની લાંબી નોકરીમાં શરૂઆતથી જ મોરતલાવ શાળામાં ફરજ બજાવી છે. તેઓના હાથ નીચે ગામની બે બે પેઢીઓ ભણીને પસાર થઇ ગયેલ છે. મોરતલાવ શાળાના આદિવાસી ગરીબ બાળકોને આ શિક્ષકે સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યુ છે. ઉપરાંત મોરતલાવ પ્રાથમિક શાળાના બાળકો સાયન્સ ફેરમાં સાતવાર રાજ્ય કક્ષાએ અને બે વખત નેશનલ કક્ષાએ દિલ્હી સુધી પહોંચ્યા છે, તેમજ શાળાના બાળકો રમતગમત ક્ષેત્રે પણ કબડ્ડીમાં બે વાર ઝોન કક્ષાએ અને કન્યા ખોખોમાં રાજ્ય કક્ષા સુધી પહોચ્યા હતા. આ શિક્ષક ગામના બાળકોને સારું શિક્ષણ અને સારી સુવિધા મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. શાળામાં લોકભાગીદારી અને પ્રાઇવેટ સંસ્થાઓની મદદથી બાળકો માટે મધ્યાન ભોજન માટે શેડ, આર.ઓ ફિલ્ટર કુલીંગ વોટર, સ્માર્ટ બોર્ડ, અને પ્રોજેક્ટ ધરાવતા બે સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્પ્યુટર ગેમિંગ ઝોન, ટેબલેટ ઈન્ટરનેટ જેવી એડવાન્સ ટેકનોલોજી દ્વારા શિક્ષણ મળે એવી સુવિધાઓ મોરતલાવ જેવા નાના ગામમાં મેળવી હતી. મોરતલાવ ગામમાં ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરી સો ટકા કન્યાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ