ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ ડીસીએમ નામની કંપની કેમિકલનુ ઉત્પાદન કરે છે. કંપનીમાં ઉમા એન્જિનિયરિંગ નામનો કોન્ટ્રાક્ટ ચાલે છે, જેમાં તુષાર રમેશભાઈ પાટણવાડીયા ફરજ બજાવે છે. કોન્ટ્રાક્ટમાં ૨૦ થી ૩૦ જેટલા માણસો પાઈપલાઈન ફેબ્રીકેશનનું કામ કરે છે. કોન્ટ્રાક્ટરનો સામાન રાખવા માટે કંપનીમાં પતરાનો શેડ બનાવવામાં આવેલો છે, જેના નીચે સ્ટીલ તથા લોખંડની પાઈપો રાખવામાં આવતી હોય છે. ગત તા.છઠ્ઠીના રોજ તુષારભાઈએ ૧૫ નંગ સ્ટીલની પાઈપ તથા ૧૦ લોખંડની પાઇપ લાવીને તેમના ખુલ્લા વર્કશોપમાં મુકેલ હતી.
ગતરોજ તા. ૧૦ મીના સવારે વર્કશોપમાંથી સ્ટીલ તથા લોખંડની પાઈપની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. કોન્ટ્રાક્ટના માણસો તથા કંપનીના કર્મચારીઓએ કંપનીની આજુબાજુ તપાસ કરતા કંપની પ્રિમાઇસીસની દિવાલ આવેલ છે તેમાં બાકોરૂ પડેલ જણાયુ હતું. તે જગ્યાએથી કોઈ અજાણ્યા ચોર ઈસમો કંપનીમાં પ્રવેશ કરી વર્કશોપમાંથી કુલ રૂ.૨,૮૦,૦૦૦ ની કિંમતની પાઇપો ચોરી ગયા હતા. આ અંગે તુષાર પાટણવાડીયાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે આ ગુના સંબંધે એક ઈસમને બોલેરો ગાડી તથા ચોરાયેલા મુદ્દામાલ પૈકી રૂ.પચાસ હજારની કિંમતની પાઇપો સાથે ઝડપી લીધો હતો. પોલીસે પકડાયેલ ઇસમ વિકાસ સંતરામ રામાજોર અગ્રહરી હાલ રહે. અંકલેશ્વર અને મુળ રહે.યુપીની પૂછપરછ કરતા તેણે વધુ ચાર ઇસમોના નામ જણાવ્યા હતા. જીઆઇડીસીમાં થયેલ ચોરીની આ ઘટના સંદર્ભે પોલીસે ઝડપાયેલ આરોપી વિકાસ સંતરામ રામાજોર અગ્રહરી અને અન્ય વોન્ટેડ ઇસમો જાવીદ જેનું પુરુ નામ જાણવા મળેલ નથી, મિકીન જેનું પુરુ નામ જાણવા મળેલ નથી, અનિલ ગુપ્તા તેમજ વિનોદપાલ જીતુપાલ તમામ રહે. અંકલેશ્વરના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ