પંચમહાલ જિલ્લાના ગોધરાનગર અને તાલુકામાં બપોરના સુમારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ખેતીના સુકાઈ જવા આવેલ પાકને જીવતદાન મળ્યું હતું.
ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામા આવી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમરોળ્યા બાદ બુધવારે બપોરના સુમારે પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં પણ મેઘરાજાની સવારી વીજળીના કડાકા-ભડાકા સાથે આવી પહોંચી હતી. ગોધરા નગર અને તાલુકામાં પણ મેઘરાજાએ મેઘ મહેર કરી હતી. નગરમાં નાડા રોડ તેમજ મુખ્ય હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી રોડ પર વહેતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે જનજીવન પણ થોડી અસર જોવા મળી હતી. પાછલા કેટલાક દિવસથી હાથતાળી આપી ગયેલા વરસાદે પુન: એન્ટ્રી કરતા નગરવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. વરસાદની વધારે જરૂર ખેડૂતો હતી જેમા ખેડુતો દ્વારા પોતાની મકાઈ, તુવેર તેમજ શાકભાજી, ડાંગરના ધરૂનુ વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદ આવતા જનજીવન તમામ ખેતીના પાકોને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી