અંકલેશ્વરના ગડખોલથી માંડવા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. માર્ગ મજબૂતીકરણ અને પહોળો કરવાની કામગીરી ચોમાસા દરમિયાન શરૂ કરતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. વેલકમ નગર -ચંડાલ ચોકડી પાસે માર્ગ પડેલા ઉંડા ખાડાને લઇ અનેક વાહનો પટકાયા હતા.
અંકલેશ્વર ગડખોલ પાટીયાથી માંડવાને જોડતો ધોરીમાર્ગ ખખડધજ થતાં વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખાસ કરીને હાલ જ માંડવાથી લઇ અંકલેશ્વર ગડખોલ પાટિયા અને બોરભાઠાથી હસ્તી તળાવ સુધીનો માર્ગ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે અને રોડને બંને તરફથી બે મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે.
ચોમાસા દરમિયાન ચાલુ કરવામાં આવેલ આ કામગીરીને લઇ વાહન ચાલકોને પરેશાની વેઠવી પડે છે. એક તરફ વરસાદ શરુ થતા કામગીરી અટકી પડી છે. ત્યારે માર્ગ પર પડેલા ઉંડા ખાડા વાહન ચાલકો માટે કમર ટોડ બની રહ્યા છે અને ખાડા ઉંડા હોવાના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ ઉદ્દભવી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર