શ્રાવણ વદ અમાસ અને શ્રાવણના અંતીમ સોમવારના રોજ સાગબારા અને દેડિયાપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો અનોખી રીતે ઉજવે છે. ખેડૂત દ્વારા બળદની મદદથી જમીન ખેડી અનાજ ઉગાવીને પકાવવામાં મદદ કરે છે. ખેતીમાં ખુબ જ ઉપયોગી એવા બળદને ચૌવરી અમાસના દિવસે ખેડૂત સવારે બળદને નવડાવી ધોવડાવી પછી તેઓને નાકમાં નવી નાથ પહેરાવવામાં આવે છે. શીંગડા પર નવી મસુટી બાંધવામાં આવે છે સાથે નવા દોરડાનો ઉપયોગ કરી બાંધવામાં આવે છે. તેમના શિંગડાને કલર કરવામાં આવે છે. શરીર પર રંગના કપથી અને ભીંડાથી ચિતરી અવનવી ડિઝાઇન પાડવામાં આવે છે. બળદને શણગારવામાં પણ આવે છે. અમુક વિસ્તારમાં ગામમાં આવેલાં હનુમાન મંદિર પાસે લઈ જઈ તેઓની પૂજા કરવામાં આવે છે. સૌ પ્રથમ ગામના મુખ્ય આગેવાન કે જેને પોલીસ પટેલ પણ કહેવાય છે તેની બળદની જોડી લઈ જઈ તેમનું દર્શન કર્યા પછી ગામના લોકોને બળદ જોડી લઈ જાય અને પૂજા કરવામા આવે છે. પૂજા કરી ઘરે લાવી બળદના પગ ધોવામાં આવે છે. બળદની આરતી કરવામા આવે છે. ઘરની અંદર બાંધી ઘઉંના ગોળ કે ખાંડ નાંખેલા ગળ્યા રોટલા બનાવીને બળદને ખવડાવવામાં આવે છે. આમ આ વિસ્તારમાં ચૌવરી અમાસની ઉજવણી કરીને બળદનો આભાર માનવામાં આવે છે. ખેતીમાં પોતાના ઉપયોગી બળદની તંદુરસ્તી માટે કુદરતને પ્રાર્થના કરવામાં આવે છે.
આ વર્ષે ચૌવરી અમાસ અને શ્રાવણવદ સોમવારનો સુભગ સમન્વય થયો છે. આ દિવસ શુભ દિવસ માનવામાં આવે છે અને ચૌવરી અમાસની ઉજવણી કરવામાં આવે છે. ટ્રેકટર ટેકનોલોજીના જમાનામાં પણ દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં બળદથી આદિવાસી ખેડૂતો ખેતી કરે છે. ચૌવરી અમાસના દિવસે આદિવાસી ખેડૂતોમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળે છે.
તાહિર મેમણ