સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમમાં આજે સાંજના સમયે સપાટી 31.10 ફૂટની હતી અને ડેમમાં ઉપરવાસમાંથી 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી.શેત્રુંજી ડેમમાં ગઇ કાલે સપાટી 31.6 ફૂટ હતો પણ બાદમાં ઉપરવાસના ગુજરડા જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી સતત પાણીની આવક શરૂ રહેતા અને આજે સાંજ સુધી 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ હોય ડેમની સપાટી વધીને 31.10 ફૂટને આંબી ગઇ હતી.
હજી પાણીની આવક શરૂ હતી. શેત્રુંજી ડેમના ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્ર ગુજરડામાંથી સાંજ સુધી 2030 ક્યુસેક પાણીની આવક હતી આ ડેમમાં કુલ જિવંત જળ સંગ્રહ ક્ષમતા 299.90 MCM છે. અને તેની સામે 249.28 MCM પાણીના જથ્થાનો સંગ્રહ થઇ ગયો છે.
આ ડેમની હેઠવાસના વિસ્તારો પાલિતાણાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરમાં એલર્ટ જાહેર કરાયું છે. નદીમાં પાણી છોડવાની સંભાવના હોય કોઇએ નદીના પટમાં અવરજવર કરવી નહી. પાણી છોડવામાં આવે ત્યારે પાલિતાણાના આ 5 ગામ અને તળાજાના 12 ગામોમાં અસર થવાની શક્યતા છે. આથી આ ડેમ 83.60 ટકા ભરાતા એલર્ટ ની જાહેરાત ભાવનગર સિંચાઇ યોજના વિભાગ દ્વારા કરવામાં આવી છે.ભાવનગર જિલ્લાં આ વર્ષે વરસાદ 50ટકા થયો છે તેની સામે મુખ્ય જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 74ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. જેમાં શેત્રુંજી ડેમ મુખ્ય છે જેથી ભાવનગર શહેરને આગામી વર્ષે પાણીની કોઈ ચિંતા રહી નથી.