ગુજરાતની શાળાઓમાં આજથી ધોરણ 6 થી 8 ના વર્ગોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. તે સાથે ભરૂચ જીલ્લામાં પણ શાળાઓ ફરીથી 50% હાજરી સાથે ધમધમી ઉઠી છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે બે વર્ષથી બંધ રહેલા શાળાના પ્રાંગણ ફરી ખીલી ઉઠ્યા છે. આજથી ભરૂચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ – 6, 7 અને 8 માં 50 ટકા હાજરી સાથે શૈક્ષણિક સત્ર થયું છે.
સમગ્ર ભરૂચ જિલ્લાની 100 થી વધુ શાળાના હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આજથી ફરી શરૂ થયું છે, ત્યારે શાળામાં સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આ સાથે શાળાઓએ ઓનલાઈન વર્ગ પણ શરૂ જ રાખવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ ધોરણ 9 થી 12 ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે, ત્યારે હવે આજથી ધોરણ 6 થી 8 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ વાલીઓ દ્વારા ઓનલાઈન વર્ગોમાં થતી સમસ્યાઓને કારણે વિરોધ નોંધાવ્યો છે ત્યારે આજથી દરેક સમસ્યાઓનો અંત આવ્યો છે અને કોરોના પહેલા જેમ શાળાએ જતાં હતા તેમ બાળકો હાજરી આપી રહ્યા છે.
રિધ્ધી પંચાલ, ભરુચ