ભરૂચ જીલ્લામાં ગત 12 મી જુલાઇના રોજ નર્મદા મૈયા બ્રિજનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી અને બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ અંકલેશ્વર-ભરૂચને સીટીમાં જોડતો મુખ્ય બ્રિજ છે. ઘણા સમયથી ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ લાઇમલાઈટમા છે.
આજરોજ નર્મદામૈયા બ્રિજ નીચે વર્ષોથી ચા-નાસ્તાના ચાલી રહેલા લારી ગલ્લાઓને હટાવામાં આવ્યા છે. જેથી લોકોની રોજી રોટી સંકટમાં મુકાઇ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના નર્મદા મૈયા બ્રિજને સુંદર બનાવાની કામગીરી ચાલી રહી છે જેથી તેનું સુશોભન ચાલી રહ્યું છે ત્યારે સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલા વર્ષો જૂના લારી ગલ્લાઓને હટાવી દેવામાં આવ્યા છે.
ભરૂચ નગરપાલિકા, આર એન્ડ બી અને પોલીસ દ્વારા એક ટ્રક મારફતે લારીઓ અને ગલ્લાઓને ઊંચકીને ટ્રકમાં મૂકી તેને લઈ જવામાં આવ્યા છે અને જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે નર્મદા મૈયા બ્રિજ પાસે કોલેજ વિસ્તાર હોવાને કારણે સ્થળ પર ખાણીપીણીની અઢળક લારીઓ આવેલી છે. જેથી આજરોજ તે લારી ગલ્લાઓ હટાવી દેવાતા તેઓને ઘણું નુકશાન થવા પામ્યું છે. જેનું ગુજરાન એકમાત્ર લારી ગલ્લા પર ચાલતું હોય તેવા લોકોનું શું ? તેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
રિધ્ધી પંચાલ, ભરુચ