ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી તેમજ સાધનો તોડી નંખાતા ઝઘડીયા પોલીસમાં ૭ ઇસમો સામે નામજોગ અને બીજા અન્ય ૧૦ થી ૧૨ અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાયો છે.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે રહેતા દિનેશભાઇ ઉર્ફે ટીનો રવજીભાઇ વસાવા ઝઘડીયા જીઆઇડીસીમાં નાનામોટા કોન્ટ્રાક્ટ લે છે. અંકલેશ્વરનો જયમીનભાઇ રણછોડભાઇ પટેલ નામના ઇસમનો ઝઘડીયા જીઆઇડીસીમાં રેડી મીક્ષ કોંક્રીટ પ્લાન્ટ આવેલ છે. દિનેશ વસાવાએ પણ ઉંટીયા ગામની સીમમાં પોતાની બીનખેતીની જમીનમાં રેડી મીક્ષ કોંક્રીટ પ્લાન્ટ નાંખવા માટે થોડાક સમય પહેલા નવી મશીનરી લાવીને મુકી હતી. મશીનરીની દેખરેખ રાખવા માટે એક વોચમેન પણ રાખવામાં આવ્યો હતો. દરમિયાન તા.૨૮ મીના રોજ સાંજના દિનેશ વસાવાએ પોતાના ભાગીદારો કરણકુમાર મિસ્ત્રી તથા અરુણસિંહ ગોહિલ સાથે જરૂરી ચર્ચા કરવા મીટીંગ કરી હતી. મીટીંગ બાદ કરણકુમાર મિસ્ત્રી તેમની ફોર વ્હિલ ગાડી લઇને મુકામ પર જતા હતા ત્યારે જયમીન રણછોડ પટેલ રહે.અંકલેશ્વર,હિતેશ બકોર પટેલ રહે.તલોદરા, સત્તાર જાડિયો, યુનુશ ટાઇગર તેમજ બીજા છ થી આઠ જેટલા ઇસમોએ કરણકુમારને રસ્તામાં રોકીને તેમના પર હુમલો કરીને માર મારીને તેમની ગાડીને નુકસાન પહોંચાડ્યુ હતુ, આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. દરમિયાન જયમીન રણછોડભાઈ પટેલ રહે.અંકલેશ્વર અને તેના માણસો હિતેશ બકોરભાઇ પટેલ રહે.તલોદરા તા.ઝઘડીયા, સત્તાર જાડિયો (જેનું પુરુ નામ સરનામુ જાણવા મળેલ નથી), યુનુશ ટાઇગર (જેનું પુરુ નામ સરનામું જાણવા મળેલ નથી),પ્રકાશ સુશીલ દ્રિવેદી રહે.અંકલેશ્વર, કાલુ રહે.કોંઢ, કરણ રામુભાઇ વસાવા રહે.તલોદરા તા.ઝઘડીયા તેમજ અન્ય ૧૦ થી ૧૨ જેટલા માણસો ભેગા મળીને દિનેશ વસાવાએ પ્લાન્ટ ચાલુ કરવા લાવેલ મશીનરી તેમજ બીજા કિંમતી સાધનોની હિટાચી મશીનથી તોડફોડ કરીને અંદાજે રૂ.૫૦ લાખ જેટલુ નુકશાન કર્યુ હતુ. આ ઉપરાંત તેઓ આદિવાસી જ્ઞાતિના હોવાનું જાણવા છતા ગમેતેમ ગાળો દીધી હતી તેમજ અમારા ધંધા સાથે હરિફાઇ કરવી તમને ભારે પડી જશે એમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે દિનેશ રવજીભાઇ વસાવા રહે.તલોદરા તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ સાત ઇસમો સામે નામજોગ અને અન્ય ૧૦ થી ૧૨ જેટલા અજાણ્યા ઇસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી અને સાધનો તોડી નાંખ્યા.
Advertisement