ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામના રહીશ બાબુભાઇ પરસોત્તમભાઈ સોલંકી ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સ્વીપર તરીકે ફરજ બજાવે છે. બાબુભાઈએ તેમનો મોબાઇલ અવિધા ગામના જયરામ ઉર્ફે નિકુલ વેસ્તા વસાવા પાસે ગીરો મૂકી ત્રણ હજાર રૂપિયા લીધા હતા. ગતરોજ બાબુભાઈ તેના મિત્ર કર્તવ્ય સાથે ઘરે હાજર હતા ત્યારે કર્તવ્યના મોબાઈલ ઉપર જયરામ ઉર્ફે નિકુલનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તારા મિત્ર બાબુએ જે મારા પાસે મોબાઈલ ગીરો મુક્યો છે એ ત્રણ હજાર રૂપિયા મને આપી જાય તેમ કહી બાબુ ભાઈને ફોન આપવા જણાવ્યું હતું, જેથી બાબુભાઈના મિત્ર કર્તવ્યએ બાબુભાઈને ફોન આપતા જયરામે ફોન પર બાબુભાઈને ગમેતેમ ગાળો દીધી હતી. બાબુભાઈએ જણાવેલ કે મારો મોબાઈલ પાછો આપી દો, હાલમાં મારી પાસે પૈસા નથી પરંતુ સવારે એટીએમમાંથી પૈસા ઉપાડી પૈસા પરત આપી દઈશ, જેથી જયરામે બાબુભાઈને તેમના ફળિયા પાસે આવેલ ચોતરા પાસે વાતચીત કરવા માટે બોલાવેલ. બાબુભાઈ બાઈક લઈને તેને મળવા ગયા હતા ત્યારે બાઇક પરથી ઉતરે તે પહેલાં જ જયરામે બાબુભાઈને ડંડા વડે બરડાના પાછળના ભાગે ત્રણ ચાર સપાટા મારી દીધેલા, જેથી તેમને લોહી નીકળવા લાગ્યું જેથી તેઓ બાઇક પરથી પડી ગયેલા અને હાથના ભાગે પણ સપાટા માર્યા હતા. જયરામ માર મારતા કહેતો હતો કે હવે તારો મોબાઈલ નહીં મળે મારા પૈસા પાછા આપી દેજે બાકી તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો, જેથી બાબુભાઈ ત્યાંથી દોડીને સીએચસી હોસ્પિટલમાં જતા રહ્યા હતા અને ત્યાં નોકરી કરતા તેના નાના ભાઈ પ્રદીપને હકીકત જણાવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરેલો હતો. બાબુભાઈ પરસોત્તમભાઈ સોલંકી એ જયરામ ઉર્ફે નીકુલ વેસ્તા વસાવા રહેવાસી અવિધા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ