ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હસમુખભાઇ મનજીભાઇ વસાવા જીઆઇડીસીમાં નાસ્તાનો ગલ્લો ચલાવે છે. ગત તા.૨૨ મીના રોજ તેમના જમાઈ સંજય વસાવા તેમની બાઇક તેમના ઘરે લઈ ગયેલા અને રાત્રે પરત આવી ઘરના આંગણામાં લોક કર્યા વગર પાર્ક કરી હતી. સંજય વસાવા સવારે નોકરી પર જવાનું હોઇ વહેલો ઉઠ્યો હતો, ત્યારે પાર્ક કરેલ બાઈક તેના સ્થળે હતી નહીં, જેથી તેને એવું લાગ્યું કે તેનો સાળા અશ્વિને તેના કોઈ મિત્રને બાઈક ફેરવવા આપી હશે. અશ્વિનને પૂછતાં તેણે બાઈક કોઈને આપી નથી તેમ જણાવતાં બાઈક ચોરાઇ ગયેલ હોવાનુ માલુમ પડેલ. હસમુખભાઈના ઘરે સીસીટીવી કેમેરા હોઇ તેમાં તપાસતાં જણાયું હતું કે ગત તા.૨૩.૮.૨૧ ની રાત્રીએ કોઇ અજાણ્યા બે ઇસમો તેમના આંગણામાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરતા હોવાનુ જણાયુ હતુ. જેથી હસમુખભાઈ મનજીભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાની હદમાં અવારનવાર નાનામોટા વાહનોની ચોરી થવાની ઘટનાઓ બને છે. તસ્કરોને કેમ મોકળુ મોકળું મેદાન મળે છે એ બાબતે જનતામાં પ્રશ્નાર્થ સર્જાયો છે. ઘણીવાર ચોરીનો ભોગ બનેલને પોલીસ દ્વારા પુરતો સહયોગ નથી મળતો એવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ