ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં બીપીએલ યાદીની સમીક્ષા કરવાની જરુર જણાય છે. સામાન્યરીતે યોગ્ય અને સરકારી નિયમ મુજબના ગરીબ પરિવારોનો બીપીએલ યાદીમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. બીપીએલ યોજનામાં સમાવિષ્ટ લાભાર્થીઓને તેમની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ આંકડાકીય સ્કોર અપાતા હોય છે.બીપીએલ યોજનામાં સમાવાયેલ લાભાર્થીને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત મળવાપાત્ર લાભ મળતા હોય છે. સામાન્યરીતે ઝીરોથી સોળ સુધીના બીપીએલ સ્કોર ધરાવતી વ્યક્તિઓને આવા સરકારી લાભ યોગ્ય પ્રમાણમાં મળતા હોય છે. ઝઘડીયા તાલુકામાં હાલ જે બીપીએલ યાદી છે તેમાં ઘણા છબરડા હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે.
મળતી વિગતો મુજબ લાંબા સમયથી તાલુકામાં બીપીએલની મોજણી થઇ નથી,એને લઇને ઘણી યોગ્ય વ્યક્તિઓ બીપીએલ યાદીની બહાર હોવાની વાતો સામે આવી છે.જ્યારે કેટલીક વ્યક્તિઓ હાલ આર્થિક રીતે સક્ષમ હોવા છતા પણ બીપીએલ યાદીમાં તેમના નામો હોવાનુ જાણવા મળ્યુ છે. બીપીએલ યાદીને લગતી આ સમસ્યા ઝઘડીયા તાલુકા સહિત ભરૂચ જિલ્લામાં દેખાઇ રહી છે. બીપીએલ યાદીની ફેર સમીક્ષા કરવાની તાકીદની જરુર જણાય છે. ઝઘડીયા તાલુકામાં બીપીએલ યાદીનું નવેસરથી તટસ્થ રીતે સર્વે કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે ઝઘડીયા તાલુકામાં બીપીએલની તાકીદે સમીક્ષા અને મોજણી કરીને તેમાં પ્રવર્તમાન અસંગતતાઓ દુર કરવામાં આવે તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ