ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે રહેતા કિરણભાઈ લકડીયાભાઈ વસાવા તથા જાંબોઇ ગામની ક્રિષ્નાએ એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ક્રિષ્ના અને કિરણ વચ્ચે કોઈ કારણોસર અણબનાવ બન્યો હોઇ ક્રિષ્ના છેલ્લા પાંચેક માસથી તેના પિયર જાંબોઇ ગામે રહેતી હતી. ક્રિષ્નાના પિતાને આ પ્રેમ લગ્ન મંજૂર ન હોવાથી તેને સાસરે મોકલતા ન હતા. અને ક્રિષ્ના પણ સાસરે જવા માંગતી ન હતી.
મળતી વિગતો મુજબ ગતરોજ ક્રિષ્ના જાંબોઇ ગામેથી તેની બેનપણીઓ સાથે ઉમલ્લાના કપાટ રોડ પર આવેલ સોસાયટીમાં કડિયા કામે મજુરીએ ગઇ હતી. તે દરમિયાન બપોરના બે વાગ્યાના અરસામાં ક્રિષ્ના તથા તેની બહેનપણીઓ ચાર રસ્તા ઉપર નાસ્તો કરવા માટે આવ્યા હતા. ચાર રસ્તા ઉપર તે વખતે ક્રિષ્નાનો પતિ કિરણ પણ આવેલ હતો. કિરણે કિષ્ણાને જણાવેલ કે તું કોની સાથે ફરે છે અને કોની સાથે તારા સંબંધ છે તે મને ખબર છે, તેમ કહી કિરણે ક્રિષ્ના સાથે ઝપાઝપી કરીને માં બેન સમાણી ગાળો બોલી ઝઘડો કર્યો હતો. અને કિષ્ણાને લાફા મારી દીધા હતા તે દરમિયાન તેને ડાબા કાને નખ પણ વાગ્યા હતા. ક્રિશ્ના સાથે ઝપાઝપી કરી નીચે પાડી દીધી હતી, તે દરમિયાન ક્રિષ્નાની બેનપણીઓ તથા ચાર રસ્તા પરના અજાણ્યા માણસોએ બૂમાબૂમ કરતા કિરણ ત્યાંથી જતો રહ્યો હતો, અને જતા-જતા કહેતો હતો કે આજે તો તું બચી ગઈ છે હવે પછી જો તું મને રસ્તામાં મળશે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ ક્રિષ્ના તેના પિતા તથા મામા સાથે જાંબોઇ ગામે ગઇ હતી, તે દરમિયાન સગર્ભા ક્રિષ્નાને પેટમાં દુખાવો થતા તેને એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. ઘટના બાબતે ક્રિષ્ના કિરણભાઈ વસાવાએ તેના પતિ કિરણભાઈ લકકડીયા ભાઈ વસાવા રહે. ઉમધરા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ