ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ત્રણેક દિવસ પહેલા પટેલ ફળિયામાં રહેતા ૮૫ વર્ષીય વૃધ્ધા કાંતાબેન પટેલ પર એક મોટા વાનરે હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા આ મહિલાને અંકલેશ્વર સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. દરમિયાન ગ્રામજનો દ્વારા આ બાબતે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ તરફથી સારસા ગામે પટેલ ફળિયા નજીક જ્યાં વાનરોની આવજાવ વધારે પ્રમાણમાં દેખાય છે ત્યાં પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ.
રાજપારડીના ફોરેસ્ટર મહેશભાઇ તેમજ બીટ ગાર્ડો શૈલેષભાઇ ડામોર અને સુમન્તાબેન વસાવાએ ગ્રામજનોના સહયોગથી ગામમાં વસતા વાનરો પૈકી એક વાનરને ભારે જહેમત બાદ પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. રાજપારડીના ફોરેસ્ટ અધિકારી મહેશભાઇના જણાવ્યા મુજબ આ ઝડપાયેલા વાનરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં છોડી મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સારસા ગામમાં હજી નોંધપાત્ર સંખ્યામાં વાનરો વસવાટ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે એક મોટો વાનર વનવિભાગના છટકામાં સપડાતા ગ્રામજનોએ હાલ તો રાહત અનુભવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ