ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જીઆઇડીસીમાં નવુ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા રાજ્યના પાંચ જિલ્લાઓમાં પીઆઇ તેમજ પીએસઆઇ કક્ષાના કુલ મળીને નવા ૧૯ પોલીસ સ્ટેશન અને ૮ નવી આઉટ પોસ્ટ ચોકીઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે, તેમાં ભરૂચ જિલ્લાના પાનોલી અને ઝઘડીયા જીઆઇડીસીનો સમાવેશ થાય છે. ઝઘડીયા પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને ઝઘડીયા જીઆઇડીસી ખાતે નવીન પોલીસ સ્ટેશન બનાવાશે.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં નવીન પોલીસ સ્ટેશન બનાવવા ધારોલી ચોકડી પર જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ તાત્કાલિક ધોરણે જીઆઇડીસી પોલીસ ચોકીમાં પોલીસ સ્ટેશન શરુ કરાય એવી શક્યતા જણાય છે. ઝઘડીયા પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને જીઆઇડીસી અને ધારોલી વિસ્તારના ૩૧ જેટલા ગામો સમાવીને નવીન ઝઘડીયા જીઆઇડીસી પોલીસ સ્ટેશન બનાવાશે. ઝઘડીયા તાલુકામાં હાલ ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા એમ ત્રણ પોલીસ સ્ટેશનો કાર્યરત છે, તેમાં ઝઘડીયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સમાવેશ સાથે તાલુકામાં પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા ચાર થશે. થોડા વર્ષો અગાઉ પણ વહિવટી સુગમતા માટે ઝઘડીયા પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને રાજપારડીને અલગ પોલીસ સ્ટેશન ફળવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ