લ્યો કરો વાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ પાસેથી ઓનલાઇન ટિકિટ સાથે ચેડાં કરી ટિકિટના નિર્ધારિત કરતા વધુ રકમ પ્રવાસીઓ પાસેથી રૂપિયા પડાવવાના બોગસ એજન્ટનું બે વાર કૌભાંડ પકડાયાના સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ વધુ એક કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુ ટ્યુબ પર સ્ટેચ્યુ ઓફ યુનીટીના નામની ખોટી વેબસાઇટ બનાવી યુ ટ્યુબ ઉપર અપલોડ કરી, સ્ટેચ્યું ઓફ યુનીટીની ટીકીટ બુક કરાવવા ઓનલાઇન પેમેન્ટ જમા કરાવી રૂ ૩,૦૫,૯૫૧/-ની ઓનલાઇન ઠગાઇ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે કેવડિયા પોલીસ મથકે જુદા જુદા પાંચ મોબાઈલ નંબર આપનાર અજાણ્યા ઈસમો સામે ઠગાઈની ફરિયાદ ફરીયાદી ધીરાભાઇ માનાભાઇ ડામોર (ઉ.વ ૪૧ ધંધો નોકરી રહે. કેવડીયા કોલોની કેટેગરી નવી બી બ્લોક નં.૪૬/૫૪૪ તા.ગરુડેશ્વર જી.નર્મદા મુળ રહે.આ કલીયા તા.કડાણા જી.મહી સાગર) એ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદની વિગત અનુસાર સદર પાંચ મોબાઇલ નંબરોના વપરાશ કર્તાઓએ ઠગાઇ કરવાના હેતુથી ખોટો ઇલેક્ટ્રોનીક દસ્તાવેજનો રેકર્ડ બનાવી, યુ ટ્યુબ પર સ્ટેચ્યુ ઓફ યુનીટીના નામની ખોટી વેબસાઇટ બનાવી યુ ટ્યુબ ઉપર અપલોડ કરી, સ્ટેચ્યુ ઓફ યુનીટીની ટીકીટ બુક કરીએ છીએ તેવી ફોનમાં ખોટી ઓળખ આપી, વિશ્વાસઘાત કરી, ઠગાઇ કરી ફરિયાદી ધીરાભાઇ માનાભાઇ ડામોરના ફોન પર ફોન પે એકાઉન્ટના SBI એકાઉન્ટમાંથી રૂ. ૧,૫૮,૩૬૯/- તેમજ એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી રૂ. ૧,૪૭,૫૮૨/- મળી કુલ રૂ.૩,૦૫,૯૫૧/-ની ઓનલાઇન ઠગાઇ કરી ગુનો કરતા કેવડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપળા