હાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવાનોમાં દિન પ્રતિદિન વધતો જાય છે, સોશીયલ મીડિયામાં અવનવા ફોટો કે વીડિયો મુકવા માટે યુવાનો ન કરવાના કારસ્તાન કરતા હોય છે, જેમાં ખાસ કરી નદી અને દરિયાઈ વિસ્તારોમાં આ પ્રકારની તસ્વીરો કે વીડિયો લેવાનો ટ્રેન્ડ ખાસ જોવા મળે છે, આજ પ્રકારની એક ઘટના ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈના દરિયા કાંઠે બની હતી.
કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવાર નિમિતે ભારે ભીડ સર્જાય છે, જ્યાં દર્શન કરવા માટે દુરદુરથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે, દર્શન બાદ મંદિરની બાજુમાં આવેલ દરિયા કાંઠે લોકો હળવાશની પળો પણ માણતા હોય છે, હાલમાં સોશિયલ મીડિયામાં સોમવારે બનેલ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કાર દરિયાના પાણીમાં તણાઈ હોવાનું સામે આવ્યું હતું.
દરીયાના જળ પાસે કાર લઇ જઈ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકવાનો શોખ યુવાનને ભારે પડયો હતો, જ્યાં દરિયા પાસે કાર લઇ ગયા બાદ દરીયામાં જળસ્તર વધતા તેની કાર પાણીમાં તણાઇ હતી, કાર તણાઇ જતા સ્થાનિકોએ બૂમાબૂમ કરી ઉપસ્થિત પોલીસની મદદથી કાર ચાલકનું રેસ્ક્યુ કરી કારને બહાર કાઢવામાં આવતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો..!