ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં હાલ જન સંવેદના મુલાકાત કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ કોરોના મહામારીમાં જેઓનું અવસાન થયું છે તે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરવા અને તેઓના પરિવારજનોને સાંત્વના આપવાનો છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તારીખ ૨૬, ૨૭ ઓગસ્ટના રોજ બે દિવસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા, ગુલાબસિંહ યાદવ, ઇશુદાન ગઢવી, મહેશ સવાણી, મનોજભાઈ સોરઠીયા, કિશોરભાઈ દેસાઈ, ભેમાભાઇ ચૌધરી, પ્રો. અર્જુનભાઇ રાઠવા, વિજય સુવાળા, કિરણ આચાર્ય, સાગર રબારી, પ્રવિણભાઈ રામ, જયેશ સંગાડા સહિતના નેતાઓ જોડાશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૧૨ સ્થળોએ જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાશે તેમજ રસ્તામાં વિવિધ સ્થળોએ કાર્યકરો દ્વારા આ જન સંવેદના મુલાકાત કાર્યક્રમમાં પધારેલા નેતાઓનું ફુલ ગુચ્છથી સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમના સ્થળ પર શ્રેષ્ઠ ગાયક કલાકારો દેશ ભક્તિના ગીતોનો સૂર રેલાવશે.
તારીખ ૨૬ ના રોજ મોરવા હડફ તાલુકામાં સુલીયાત અને ડાંગરીયામાં, ગોધરા તાલુકાના ઓરવાડા ગામે, શહેરા તાલુકાના ખોજલવાસા અને નવા વલ્લભપુર ગામે તથા રાત્રે ગોધરા શહેરમાં આ કાર્યક્રમ યોજાશે. જ્યારે બીજા દિવસે તારીખ ૨૭ ના રોજ અલીન્દ્રા ચોકડી કાલોલ, ઘોઘંબા તાલુકાના સીમલીયા, ઘોઘંબા અને બાકરોલ, જાંબુઘોડા અને રાત્રે હાલોલ શહેરમાં આ કાર્યક્રમ યોજાનાર છે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે.
સાથે એમ પણ કહ્યું છે કે, જિલ્લામાં અત્યારે ભ્રષ્ટાચાર અને બેરોજગારી વધી છે. તેથી જનતા અને શિક્ષિત બેરોજગારો ત્રસ્ત થઈ ગયા છે. ભ્રષ્ટાચારીઓને લોકો નફરત કરવા લાગ્યા છે હવે સત્તા પરિવર્તન માટે લોકોનો એક સૂર બન્યો છે. આજે જિલ્લામાં એક લાખ જેટલા લોકો આમ આદમી પાર્ટીની સાથે છે. આ આંકડો દિન પ્રતિદિન વધતો જાય છે. જિલ્લામાં સોળસો કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા તન, મન અને ધનથી જહેમત ઉઠાવી રહ્યા છે તે સૌ કાર્યકરોને જિલ્લા પ્રમુખે પ્રોત્સાહિત કર્યા છે. સૌને પરિવર્તન અને પરિણામ માટે પ્રવૃત્તિશીલ રહેવા આહ્વાન કર્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી