માંગરોળ તાલુકાના વાંકલ ગામના બજારમાં ચિલ ઝડપ ચોરી કરતાં ગઠિયાઓએ વાહનમાં પંચર પાડી વધુ એક વેપારીનાં બેગની ઉઠાંતરી કરતા પોલીસની ફરજમાં ગંભીર બેદરકારીનો ભોગ વેપારીઓ અને સ્થાનિક લોકો બની રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી વાંકલ ગામના બજારમાં ચીલ ઝડપે બેગની ઉઠાંતરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. 15 દિવસ પહેલા જ ગઠિયાઓએ એક અંકલેશ્વરના વેપારીને નિશાન બનાવ્યો હતો, ગઠિયાઓએ વેપારીની કારને પંચર કર્યું હતું ત્યારબાદ વેપારી ટાયર બદલી રહ્યો હતો ત્યારે ગાડીમાંથી બેગની ઉઠાંતરી કરી હતી. આજ ઓપરેન્ડીથી અગાઉ પણ કેટલાક વેપારીઓ ગઠિયાઓનો ભોગ બન્યા છે જ્યારે આજે એક વધુ બેગ ઉઠાંતરીનો બનાવ બન્યો છે, અંકલેશ્વરથી છોટા હાથી વાહનમાં માલ લઈને એક વેપારી અને સેલ્સમેન વાંકલ ગામના બજારમાં વેપાર કરવા આવ્યા હતા ત્યારે ગઠિયાઓએ છોટા હાથી ટેમ્પાના ટાયરમાં પંચર કર્યું હતું ત્યારબાદ વેપારીએ પોતાનું વાહન આગળની દુકાને ઉભુ રાખ્યું હતું ત્યારે ટાયરમાં પંચર હોવાનું જણાતા વેપારીનું ધ્યાન ટાયર તરફ હતું આ સમયે એક ગઠિયો છોટા હાથી ટેમ્પાની કેબીનમાંથી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. થોડા સમય પછી વેપારીને બેગ નહીં મળતા આખરે ગઠીયો બેગની ઉઠાંતરી કરી ગયો હોવાનું માની લીધું હતું ત્યારબાદ નજીકની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરાતા બ્લુ કલરના શર્ટ પહેરીને આવેલો એક ઈસમ બેગની ઉઠાંતરી કરતા કેમેરામાં ઝડપાયો હતો. ચોરીનો ભોગ બનેલા સેલ્સમેન ચિરાગભાઈ અનિલભાઈ માછી રહે વડોદરા આજવા રોડ કિશનવાડી નાઓએ વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ અરજી આપી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
આ જ પ્રમાણે 1 વર્ષ પહેલા મેડિકલ સ્ટોરમાંથી બેંક ઉઠાંતરીની ઘટના બની હતી અને ચોર ઈસમો કેમેરામાં કેદ થયા હોવાથી સ્થાનિક દુકાનદારોએ બહારથી ચોરી કરવા આવતી ટોળકીને ઝડપી લઈ પોલીસને હવાલે કરી હતી પરંતુ ક્યારે પણ ચોર ઇસમો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં વાંકલ ગામમાં બેગ ઉઠાંતરી અને ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે વાંકલ ગામના શુક્રવારના હાટ બજારમાં ચોરીના બનાવો અવારનવાર બનતા જ રહે છે ત્યારે પોલીસ આ દિશામાં ફરજમાં બેદરકારી છોડી ફરજ નિભાવે અને લોકોને ભયમુક્ત કરે તેવી માંગ ઉઠી રહી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ