ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પોલીસે જુગાર રમતા સાત જુગારીઆ ઝડપી લીધા હતા અને પોલીસની રેઇડ જોઇને બે ઇસમો ફરાર થઇ ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત ગતરોજ રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે રાજપારડી ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી આદિવાસી સ્મશાન પાછળ આવેલ મધુમતી ખાડીના કિનારે ખુલ્લી જગ્યામાં બાવળિયાની ઓથમાં કેટલાક ઇસમો ટોર્ચ બેટરીના અજવાળે પૈસા વડે પાના પત્તાનો હારજીતનો જુગાર રમે છે.
પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળીને બેટરીના અજવાળે પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇને જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન બે જુગારીયાઓ ભાગી ગયા હતા, જ્યારે સાત જુગારીયા ઝડપાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રૂ.૫,૯૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજપારડી પોલીસે ઘટના સ્થળેથી કલ્પેશ શ્રીચંદ્રભાઈ વસાવા કાલીયાપુરા રાજપારડી, ઈલ્યાસ ફિરોજભાઈ શેખ રઝાનગર રાજપારડી, શિવરામ અમ્રતભાઇ પટેલ રાજપારડી, હરકિશન છીતુભાઈ વસાવા માધવપુરા રાજપારડી, દિલીપ બાબુભાઈ વસાવા કાલીયાપુરા રાજપારડી, મકસુદ દિલાવરભાઈ રાઠોડ ફૈઝ નગર રાજપારડી અને મેહુલ દિલીપભાઈ વસાવા કાલીયાપુરા રાજપારડીને હસ્તગત કરીને અન્ય ભાગી ગયેલ બે ઇસમો અનિલ ઉર્ફે મુન્નો દ્વારકાદાસ પટેલ કાલીયાપુરા રાજપારડી તેમજ વિષ્ણુભાઈ વસાવા કાલીયાપુરા રાજપારડીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. રાજપારડી પોલીસે જુગાર રમતા ઝડપાયેલ આ ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનાને લઇને શ્રાવણીયો જુગાર રમતા ઇસમોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ