ભરૂચ રાજપિપલા વચ્ચે વધુ સંખ્યામાં લોકલ બસો દોડાવાય એવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચથી રાજપિપલા વચ્ચેના રુટ પરના ઝઘડીયા રાજપારડી ઉમલ્લા આમલેથા પંથકના લોકલ બસ સ્ટોપેજોના મુસાફરોની સુવિધા માટે આ રુંટ પર વધુ સંખ્યામાં લોકલ બસો દોડાવાય એવી લોકમાંગ જાણવા મળી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગ્રામિણ વિસ્તારો પણ બસ સેવાથી વંચિત હોવાની વાતો જાણવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા જે રુટો ચાલુ હતા તેમાંના ઘણા રુટો હાલ બંધ હોવાનું પણ જાણવા મળ્યુ છે. ભરૂચ રાજપિપલા વચ્ચે વધુ સંખ્યામાં લોકલ બસો દોડાવવાની જરુર છે. એસટીના અણઘડ વહિવટને લઇને મુસાફર જનતાએ નાછુટકે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડે છે. એસટીની મુસાફરીને સલામત મુસાફરી ગણવામાં આવે છે, ત્યારે જનતાને સલામત મુસાફરીથી કેમ વંચિત રાખવામાં આવે છે? ઉમલ્લા રાજપારડી અને ઝઘડીયા પંથકના ગામોની જનતાએ જિલ્લાના કામો માટે તેમજ અન્ય જરુરી કામો માટે અવારનવાર ભરૂચ જવુ પડતુ હોય છે. આ રુટ પર આવતા મોટાભાગના ગામો લોકલ બસ સ્ટોપેજો ધરાવતા ગામો છે.આવા લોકલ સ્ટોપેજો પર એક્ષપ્રેસ બસો ઉભી નથી રહેતી, તેથી આ લોકલ સ્ટોપેજોની જનતા સઘન લોકલ બસસેવાની ઇચ્છા રાખે તે સ્વાભાવિક ગણાય. તેથી ભરૂચ રાજપિપલા વચ્ચેના રુટ પર વધુ લોકલ બસો દોડાવાય તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ