મૂળ અમદાવાદની અને હાલ ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે રહેતી સુશીલાબેન માનસિંગભાઈ વસાવાનું હાલમાં ડભાલ ગામે મકાનનું કામ ચાલુ છે. મકાનના પુરાણના કામ માટે કવોરી સ્પોઇલ મંગાવવા માટે તેમણે ટ્રેક્ટર ભાડે કર્યું હતું. ગતરોજ બપોરે સુશીલાબેન તેમના નવા મકાનમાં કવોરી સ્પોઇલ પુરાણ કરાવતા હતા તે વખતે ગામમાં રહેતો સુરેશ ગંભીરભાઇ વસાવા ત્યાં આવેલ અને સુશીલાબેનને જણાવેલ કે અહીંયાથી તમારે ટ્રેક્ટર કરવું નહીં, આ અમારો રસ્તો છે તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગેલો. સુશીલાબેને જણાવેલ કે મારા ઘરનું કામ ચાલે છે તું મને હેરાન ના કર એવું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ, અને સુરેશે એક જાડું લાકડું લાવી સુશીલાબેનને મારતા તે હાથના ભાગે વાગી ગયુ હતુ. સુરેશનુ ઉપરાણું લઇને સુશીલાબેનનો મોટોભાઈ ગંભીરભાઇ વસાવા તથા તેનો પુત્ર સુનિલ પણ ત્યાં આવ્યા હતા અને બેન સુશીલા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન સુશીલાબેનને ધક્કો વાગતા તેઓ બાજુમાં મૂકેલી મોટરસાયકલ પર પડ્યા હતા જેથી તેમને કમરના ભાગે ઇજા થઇ હતી. આ ઝઘડા દરમિયાન સુશીલાબેનનો નાનો ભાઈ રમેશ ત્યાં આવી ગયેલ અને તેને વધુ મારમાંથી બચાવી હતી. ઇજાગ્રસ્ત સુશીલાબેનને એમ્બ્યુલન્સ દ્વારા ઉમલ્લાના સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. બાદમાં સુશીલાબેન માનસિંગભાઈ વસાવાએ સુરેશ ગંભીરભાઈ વસાવા, સુનિલ રમેશભાઈ વસાવા અને ગંભીર કુતરીયાભાઇ વસાવા ત્રણેય રહે.ગામ ડભાલ, તા. ઝઘડિયા,જિ.ભરૂચ વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ