રાજ્યમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ડેમો હજુ ખાલીખમ પડયા છે. ખરીફ પાક પર સંકટ સર્જાયુ છે જેથી ખેડૂતો ચિંતાતુર છે. ગોધરામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે સિંચાઇનું પાણી આપવાના મુદ્દે ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ડેમોમાં સંગ્રહીત પાણીનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાશે. સિંચાઇનું પાણી ત્યારે જ ખેડૂતોને અપાય જયારે ડેમોમાં પાણીનો પુરતો જથ્થો હોય. અત્યારે તો રાજ્યના ડેમોમાં માત્ર 30-35 ટકા જ પાણી છે. આખા વર્ષનુ પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવાનો હોય છે ત્યાર પછી વધારાનુ પાણી સિંચાઇ માટે આપી શકાય.
ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. હાલમાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ છે. વરસાદ નહીં થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતોએ વીજળી પર આધાર રાખવો પડ્યો છે. બીજી તરફ રાજ્યના જળાશયોમાં પણ માંડ 30 ટકા પાણી વધ્યું છે. ત્યારે ખેડૂતોનો પાક બચાવવા સરકાર જાહેરાત કરીને યુટર્ન લઈ રહી છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી ખેડૂતોને રાહત થઈ હતી પરંતુ ગોધરા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પ્રસંગે નીતિન પટેલે યુટર્ન માર્યો હતો. તેમણે કહ્યું હતું કે વરસાદ ખેંચાયો છે. ડેમોમાં પાણી વધુ હોય તો જ સિંચાઇ માટે આપી શકાય.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા.૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું છે. જળસંપત્તિ સચિવએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.