વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 ઉપર ગોલ્ડન ચોકડી અને દેણા ચોકડીની વચ્ચે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ક્લીનરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
કર્ણાટકથી માલ ભરીને બે ટ્રક ગાંધીધામ જોવા માટે નીકળી હતી. દરમિયાન આજે મળસ્કે ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડીની વચ્ચે એક ટ્રક ખોટકાતા રસ્તા વચ્ચે અટકી પડી હતી. જેથી ખોટકાયેલા ટ્રકને સાંકળથી બાંધવાનું કામ બંધ પડેલી ટ્રકના ડ્રાઇવર સત્યનારાયણ દરોગા અને ક્લીનર મોહન કંજર(બંને રહે, રાજસ્થાન) કરી રહ્યા હતા. તેવામાં અચાનક પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા આઇસર ટેમ્પો બંધ પડેલા ટ્રેલર ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રેલર ટોઈંગ કરવા માટે સાંકળ બાંધી રહેલા મોહન અને સત્યનારાયણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ક્લીનર મોહનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ડ્રાઇવર સત્યનારાયણને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા આઇસર ટેમ્પો ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.