ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે ગતરોજ બપોરના બારથી ચાર વાગ્યાના સમય દરમિયાન શાળાના મધ્યાહ્ન ભોજન રૂમનું તાળુ તોડીને કોઇ ઇસમ રૂ.૧૦,૫૦૦ ની કિંમતના એલ્યુમિનિયમના નાના-મોટા પાંચ તપેલા અને એક પ્રેસર કુકર ચોરી ગયો હતો. રાજપારડી પોલીસમાં આ બાબતે ફરિયાદ લખાવા પામી હતી.
દરમિયાન રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રીસોર્સીસના આધારે પોલીસ કોન્સ્ટેબલ સંદિપભાઇને બાતમી મળી હતી કે એક ઇસમ રાજપારડી બજારમાં વાસણોની દુકાનોએ પ્રેસર કુકર વેચવા ફરે છે અને ભાવતાલ કરે છે. સદર બાબતે પોલીસે તપાસ કરતા એક ઇસમ રાજપારડી ચાર રસ્તા નજીકના વાઝા કોમ્પલેક્ષમાં શંકાસ્પદ રીતે ફરે છે. આ ઇસમની તપાસ કરતા તેની સાથેના મીણીયા થેલામાં પ્રેસરકુકર હોવાનું જણાયુ હતુ. આ ઇસમને પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના રૂમમાંથી વાસણો ચોર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ ઇસમ પ્રકાશભાઇ બાબુભાઇ વસાવા રહે.ગામ વણાકપોર, તા.ઝઘડીયા, જિ.ભરૂચને હસ્તગત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવા કવાયત હાથ ધરી હતી. પોલીસે આ ઇસમના ઘરેથી તેણે ચોરેલ પાંચ એલ્યુમિનિયમના તપેલા કબજે લીધા હતા. રાજપારડી પોલીસે ગણતરીના કલાકોમાં વણાકપોર ગામના મધ્યાહ્ન ભોજન રૂમની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.