ગુજરાત રાજયમાં શ્રવણ માસ સહિત નાગપંચમ, રાંધણ છઠ અને શીતળા સાતમને ઘણું મહત્વ આપવામાં આવે છે. શીતળા સાતમના દિવસે બહેનો ઠંડુ ભોજન ગ્રહણ કરતી હોય છે તે માટે રાંધણ છઠના દિવસે બહેનો તૈયારીઓમાં લાગી જતી હોય છે તે જ રીતે અંકલેશ્વર પંથકની બહેનોએ આજરોજ શીતળા માતાની પુજા અર્ચના કરી અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સચવાઈ રહે તે માટે ઠંડુ ગ્રહણ કરી કામના કરી હતી.
માનવામાં આવે છે કે શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઊજવવામાં આવે છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે.
સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર