દેશની સ્વસહાય જુથની મહિલાઓ યુવાનો સાથે ખભેખભા મેળવીને કામ કરી રહી છે તથા અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને આત્મનિર્ભરતા તરફ મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે દેશના વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્વસહાયતા જુથોના મહિલા સભ્યો સાથેના સંવાદ કાર્યક્મ દ્રારા મહિલાઓને સુચારૂ માર્ગદર્શન આપ્યું હતું તે અંગેનો કાર્યક્મ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ફેડરેશન હોલમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ તેમજ ગોધરા તાલુકા પ્રમુખ સુનીતાબેન વરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી.તબીયારની ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતુ કે રાજય સરકાર દ્રારા મહિલાઓના ઉત્થાન અને આર્થિક રીતે ઉન્નત બની પોતાના પરિવારને મદદરૂપ થાય માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને સમાજમાં મહિલાઓને મોખરાનું સ્થાન અપાવ્યું છે. આજે જિલ્લામાં એક અને તાલુકામાં ૦૬ કાર્યક્રમોમાં જે ૪૦૦ થી વધારે સ્વસહાયતા જુથોની બહેનોને સી.આઇ.એફ યોજના અને રીવોલ્વિંગ ફંડ હેઠળ રૂા. ૬૮.૦૦ લાખના ચેકો મેળવતા આ બહેનો આ રકમનો ઉપયોગ કરી નાના વ્યવસાય કરી આર્થિક ઉન્નતીના દ્રાર ખોલશે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ડી આર ડી એના નિયામક એસ.ડી.તબીયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વસહાયતા જુથોના મહિલા સભ્યો સાથેના સંવાદ કાર્યક્રમમાંથી પ્રેરણા લઇ આર્થિક રીતે પગભર થઇ શકશે તે માટે સ્વસહાયતા જુથોની યોજનાઓની મહત્વની ભુમિકા છે તેમ જણાવ્યું હતું. તેમજ તેમના વિભાગ દ્રારા ચાલતી વિવિધ યોજનાઓની રૂપરેખા આપી હતી.
મહાનુભાવોના હસ્તે પ્રતિક રૂપે જિલ્લાના સ્વસહાયતા જુથોની બહેનોને સી.આઇ.એફ અને એમ.એમ.યુ.વાય યોજના હેઠળના ચેકો અર્પણ કરાયા હતા. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વસહાય(SHG)ની બહેનો માટેના ખાસ સંવાદ કાર્યક્રમનું જિલ્લામાં ૧૬,૮૦૦ થી વધારે સ્વસહાયતા જુથોના સભ્યોએ ૬૨૯ ગામોમાં ગ્રામ પંચાયત અને શાળાઓમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.ડી.રાઠવા, ગોધરા તાલુકા વિકાસ અધિકારી જે.આર.સોલંકી, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સહિત ડી આર ડી એના નિયામકની કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ અને સ્વસહાયતા જુથોની બહેનો ઉપસ્થિત રહી હતી.
પંચમહાલ રાજુ સોલંકી