તાલુકા મથક માંગરોળ ખાતે દિલ્હીના નાંગલ ગામે નાની બાળકી પર દુષ્કર્મ ગુજારી જીવતી સળગાવી દેનાર નરાધમોને ફાંસીની સજા આપવાની માંગ સાથે વાલ્મિકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
દિલ્હીનાં કેટ વિધાનસભાનાં નાંગલ ગામે નવ વર્ષની બાળકી પર નરાધમોએ દુષ્કર્મ આચરી બાળકીને જીવતી સળગાવી દીધી હતી. જેના વિરોધમાં નરાધમોની ધરપકડ કરી ફાંસીની માંગ સાથે ઠેર-ઠેર વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે માંગરોળમાં પણ દિલ્હીની ઘટનાને લઇ વાલ્મિકી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માંગરોળ મામલતદાર કચેરી ખાતે વાલ્મિકી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું અને બાળકી તેમજ સમાજને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અરુણ પરમાર, દેવેન્દ્ર સોલંકી, વિપુલ પરમાર, રાજેશ કટારીયા, મહેશ પરમાર, મયુર સોલંકી, પ્રજ્ઞેશ પરમાર, સુનીલ સોલંકી, દીપમાલા હરણીયા, હસુ પરમાર, કલ્પેશ પરમાર તેમજ વાલ્મિકી સમાજનાં લોકો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ