વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલી ગોખલે સોસાયટી વિસ્તારમાં ટુ-વ્હીલર પર થઇ રહેલી દારૂની હેરાફેરીનો વીડિયો વાઇરલ થયો છે. અસામાજિક પ્રવૃત્તિ માટે ચર્ચામાં રહેતી ગોખલે સોસાયટી વિસ્તારમાં હવે બેરોકટોક ટુ-વ્હીલરમાં થઇ રહેલી દારૂની હેરાફેરીનો વાઇરલ થયેલો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે વિસ્તારના લોકોએ અસામાજિક પ્રવૃત્તિઓ વહેલીતકે દૂર થાય તેવી માંગ કરી છે.
વડોદરા શહેર પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયો હોય તેમ સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂના ધંધાઓ ઉપરથી પોલીસે નજર હટાવતા શહેરમાં પુનઃ નાના-મોટા બુટલેગરો દ્વારા વિદેશી દારૂના ધંધાની શરૂઆત કરી દીધી છે. તહેવારોની શરૂઆત થતાં જ શહેરમાં વિદેશી દારૂની આવક વધવા સાથે વેચાણમાં વધારો થઇ ગયો છે. વિદેશી દારૂનો છૂટક ધંધો કરતા બુટલેગરો દ્વારા ટુ-વ્હીલરોમાં એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ રહ્યા છે. જેમાં જેતલપુર રોડ ઉપર આવેલી ગોખલે સોસાયટી વિસ્તારમાં ટુ-વ્હીલરની ડીકીમાં વ્યવસ્થિત વિદેશી દારૂની બોટલો ગોઠવી રહેલા બુટલેગર મોબાઇલ કેમેરામાં થઇ ગયો હતો. જે મોબાઇલ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો અને ચેઇન સ્નેચરોએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. પ્રતિદિન વધી રહેલા ક્રાઇમને ડામવા માટે પોલીસ તંત્રએ તસ્કરો અને ચેઇન સ્નેચરોને પકડવા માટે ધોંસ વધારતા હવે બુટલેગરો બેફામ બની ગયા છે. જોકે, વડોદરા શહેરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડા ભલે બંધ થઇ ગયા હોય, પરંતુ, શહેરમાં આજે પણ વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. વડોદરામાં વિદેશી દારૂની હોમ ડિલીવરી ચલણ વધી ગયું છે. બુટલેગરો દ્વારા જરૂરીયાત મુજબનો દારૂનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યા છે.
જેતલપુર રોડ ગોખલે સોસાયટી વિસ્તારનો વિદેશી દારૂની હેરાફેરીનો વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી ગઇ છે. આ વિસ્તારમાં અગાઉ ઓટો રીક્ષા ચાલકોનો પણ અડ્ડો રહેતો હતો. ઓટો રીક્ષા ચાલકો બિન જરૂરી સોસાયટીઓમાં આંટા-ફેરા મારતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તે ઉપરાંત આ વિસ્તારમાં ખાણી-પીણીની હોમ ડિલીવરી કરતી એજન્સીઓનો પણ અડ્ડો રહેતો હતો. જે લોકોની ફરિયાદ બાદ પોલીસે દૂર કરાવ્યો હતો. હવે વિદેશી દારૂની હેરાફેરીનું સ્થળ બનતા સ્થાનિક લોકોએ આ બદી દૂર કરવા માંગણી કરી છે.