મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના’’ હેઠળ છેલ્લા 9 દિવસથી રાજયમાં વિકાસનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે શ્રેણીમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકાના મોરા અને ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરા ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી વિભાગોના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં જનસમારોહ યોજાયો હતો, જેમાં કુંવરબાઈનું મામેરૂ, માનવ ગરિમા, મકાન સહાય-લોન સહાય સહિતની વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને સહાયનું તેમજ વન અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કણબીપાલ્લી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય, મોરવા (હ) નિમિષાબેન સુથાર અને ધારાસભ્ય કાલોલ સુમનબેન ચૌહાણે મુખ્ય અતિથીપદે ઉપસ્થિત રહી લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.
મોરા ખાતેના કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ વનબંધુઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા છેલ્લા નવ દિવસથી સમગ્ર રાજ્યમાં પ્રજાલક્ષી કાર્યક્રમો યોજી સરકાર પોતે કરેલા વિકાસ કાર્યોનો હિસાબ જનતા સમક્ષ રજૂ કરી રહી છે. આ પ્રસંગે કરોડો રૂપિયાના નવા વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા છે, આ પ્રકારે સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વધુને વધુ લાભાર્થીઓને આવરી લેવા, વધુને વધુ લાભાર્થીઓ સુધી તેમને મળવાપાત્ર થતા લાભોની જાણકારી પહોંચાડવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. આ જ દિશામાં આજે આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી તાલુકાઓમાં જનલક્ષી કાર્યક્રમો યોજી વનબંધુઓને લાભો અપાઈ રહ્યા છે. રૂ. 341 કરોડના ખર્ચે આકાર લેનારી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ખાતમુહૂર્ત સહિતના કામો વિશે વાત કરતા મંત્રીએ આ કાર્યોથી ટ્રાયબલ વિસ્તારને થનારા લાભ વિશે જણાવ્યું હતું. આદિવાસી સમાજે દેશ માટે આપેલ અનેક બલિદાનોને યાદ કરતા તેમણે શહિદી વહોરનારા તમામ વીરોને વંદન કરી આદરાજંલિ પાઠવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આદિવાસી સમાજના કલ્યાણ અર્થે વનબંધુ કલ્યાણ યોજના સહિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી, જેને હાલની સંવેદનશીલ સરકાર નવા વેગથી આગળ ધપાવી રહી છે તેમ જણાવતા મંત્રી રાદડિયાએ ઉમેર્યું હતું કે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ. 90 હજાર કરોડના વિકાસકામો શરૂ કરાવ્યા હતા. જેને આગળ વધારતા વર્તમાન સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના ફેઝ -૨ માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ.એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.
વનબંધુઓના કલ્યાણ અને સર્વાગી વિકાસ માટે સરકાર કટીબધ્ધ છે તેમ જણાવતા મંત્રીએ રાજ્યમાં 15 ટકા વસ્તી આદિવાસી સમાજની છે ત્યારે વિકાસની બાબતે આદિજાતિ સમાજ અન્ય સમાજની લગોલગ ઉભો રહી શકે તે માટે શરૂ કરાયેલ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લીધે ટ્રાયબલ વિસ્તારમાં ખુબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા માટે શાળાના ઓરડાઓ, આરોગ્યની સુવિધાઓ આ સરકારે વિકસાવી છે. આદિવાસી સમાજની નવી પેઢી સુધી વિકાસના તમામ સુફળ પહોંચે તેવા ઉજ્જવળ વાતાવરણનું નિર્માણ કરવા, ગુજરાતની શાંત-સુરક્ષિત અને વિકસિત રાજ્ય તરીકેની વિકાસકૂચને યથાવત રાખવા માટે સહયોગ કરવા તેમણે સૌને અપીલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી સહિતના મહાનુભાવોનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ બિરસા મુંડા સહિતના આદિવાસી વીરોને પુષ્પાંજલિ પાઠવી હતી તેમજ દેવી-દેવતાઓનું આદિવાસી રીતરીવાજ અનુસાર પૂજન કર્યું હતું. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ આદિવાસી દિવસની મહત્તા સમજાવવા સાથે સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ પ્રાયોજના વહીવટદાર એસ.કે. રાઠોડે આભારવિધી કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન વિક્રમભાઈ ડિંડોળે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી સહિત પંચાયતના પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, નાયબ વન સંરક્ષક એમ. મીણા, પ્રાંત અધિકારી શહેરા જયકુમાર બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી