ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૯ મી ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી પૂર્વ તૈયારીઓ અંતર્ગત પ્રગતિ હેઠળ કામગીરીનુ ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સ્થળ નિરીક્ષણ કરી સ્થળ ઉપર જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
રાજ્યકક્ષાના “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે રાજપીપલામાં જીતનગર ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમ પ્રસંગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ખાતમુહૂર્ત સ્થળ સાઈટ જીતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેના સભામંડપ સ્થળની મંત્રી ગણપતસિંહ વસાવાએ મુલાકાત લીધા બાદ રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક હિમકરસિંહ, ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ ડૉ. મધુકર પાડવી, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ,પૂર્વ રાજ્ય મંત્રી શબ્દ શરણભાઈ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા સહિત અન્ય પદાધિકારીઓ- અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજીને જરૂરી સમીક્ષા કરી હતી.
ત્યારબાદ મંત્રી ગણપતભાઈ વસાવા સહિત અન્ય મહાનુભાવોએ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓ, જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, પ્રજાજનો વગેરેના સહયોગથી હાથ ધરાયેલા “નોંધારાના આધાર” પ્રોજેક્ટ અંતર્ગત સિંધીવાડ વિસ્તારમાં આવશ્યક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કિટ્સ એનાયત કરી હતી. જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આ પ્રોજેક્ટ સંદર્ભે મંત્રીને ઝીણવટભરી જાણકારી સાથે વાકેફ કર્યાં હતાં. મંત્રી ગણપતસિંહ વસાવા આ કામગીરીથી અંત્યત પ્રભાવિત થઇ “ટીમ નર્મદા” ની સંવેદનાસભર આ માનવીય કામગીરી બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.
જ્યોતિ જગતાપ, રાજપીપળા
રાજપીપલા સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મંત્રી વસાવાએ યોજેલી સમીક્ષા બેઠક.
Advertisement