ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામ નજીક ગત તા.૧ લીના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં એક મોટરસાયકલની ટક્કરે ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ વણાકપોર ગામે રહેતા મંગાભાઇ ઉક્કડભાઇ વસાવા ગત તા.૧ લીના રોજ સવારના સમયે તેમના પત્નિ અને પુત્રવધુ સાથે રાજપારડી માધુમતિ ખાડી પાસે આવેલ કપાસના ખેતરે નિંદવાની મજુરી માટે ચાલતા જતા હતા, તે દરમિયાન વણાકપોર રાજપારડી રોડ પર વણાકપોર ગામ તરફથી આવતી એક મોટરસાયકલે આ ત્રણેયને અડફેટમાં લેતા ત્રણેય જણ રોડ નીચે ફંગોળાઇ ગયા હતા. તેમજ મોટરસાયકલ ચાલક પણ નીચે પડી ગયો હતો. આ મોટરસાયકલ ચાલક વણાકપોર ગામનો સિધ્ધરાજસિંહ અજીતસિંહ દરબાર હોવાની જાણ થવા પામી હતી.
આ અકસ્માતમાં મંગાભાઇ વસાવા,તેમના પત્ની તેમજ પુત્રવધુને શરીરના વિવિધ ભાગો પર નાની-મોટી ઇજાઓ થતા રાજપારડી પ્રાથમિક સારવાર કરાવીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અકસ્માત બાદ આ મોટરસાયકલ ચાલક સિધ્ધરાજસિંહે ફરિયાદ ના કરશો હુ દવાના પૈસા આપીશ, એમ જણાવ્યું હતુ. પરંતુ ત્યારબાદ માંગણી કરવા છતા દવાના ખર્ચ પેઠે પૈસા આપ્યા નહતા, તેથી અકસ્માતનો ભોગ બનનાર મંગાભાઇ ઉક્કડભાઇ વસાવા રહે.ગામ વણાકપોર તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ અસકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક સિધ્ધરાજસિંહ અજીતસિંહ દરબાર રહે.ગામ વણાકપોરના વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ