અંકલેશ્વર જી.આઈ.ડી.સી મા ગતરોજ બપોરના સમય દરમિયાન શ્રીનાથ કેમિકલ કંપની પર અજાણ્યા ત્રણ જેટલા ઇસમોએ પથ્થર મારો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. તે દરમિયાન કંપનીમાં પ્રવેશ કરવા જતાં સિક્યુરીટી ગાર્ડ પર પણ અન્ય એક ઇસમે હુમલો કર્યો હતો જેમાં ઇજાના પગલે બે વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ત્રણ અજાણ્યા ઇસમોએ ફરિયાદી બળવંતભાઈ બકુલભાઇ પઢિયાર અને સાહેદને શ્રીનાથજી કંપનીની બહારથી કંપનીના અંદરના ભાગમાં છુટ્ટો પથ્થર માર્યો હતો અને તેના જ એક અજાણ્યા ઇસમે શ્રીનાથજી કંપનીની દીવાલ કૂદી અને કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને ફરિયાદી બળવંતભાઈને માથાના વચ્ચેના ભાગે લાકડાનો સપાટો માર્યો હતો સાથે ડાબા હાથમાં લાકડાના સપાટા વડે માર મારતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
તે સહિત કંપાઉન્ડમાં કુદતા ઈસમોને રોકવા જતાં સિક્યુરીટી ગાર્ડ સાહેદને પણ મોઢાના ભાગે બંને આંખો પર અને નાકના ભાગે લાકડાનો સપાટો મારતા તેમણે ગંભીર ઇજાઓ પહોચી હતી. ત્રણેય ઇસમો મારમારી અને ફરાર થઈ ગયા હતા જે અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ થતાં બંને ઇજા પામેલ યુવકોને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્રણેય ઇસમો કોણ હતા અને ક્યાં કારણોસર કંપની પર પથ્થરમારો કર્યો અને ઈસમ પર હુમલો કર્યો તે તપાસનો વિષય બનતા જી.આઈ.ડી.સી પોલીસે સમગ્ર ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર