જૂનાગઢ નજીકના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયાએ બદલાતા સમય સાથે ઓર્ગેનિક ખેતી અને પશુપાલન થકી આવક બમણી કરીને સફળતા હાંસલ કરી છે અને હવે જ્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ મહિલાએ ગાયના ગોબર (Dung) માંથી રાખડી બનાવી છે. એટલું જ નહીં પરંતુ ગાય પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ મહિલા રક્ષાબંધનના દિવસે પોતાના ગામમાં ગોબર (Dung) ની રાખડીનું વિતરણ પણ કરશે. ભાવનાબેનની આ અનોખી પહેલથી ગામની અન્ય મહિલાઓને પણ એક નવો હુન્નર અને રોજગારી પણ મળી છે.
ભાવનાબેન ત્રાંબડીયાને કોયલી ગામે ગૌશાળા આવેલી છે અને તેમની પાસે 37 ગીર ગાયો છે. ગૌશાળામાંથી નીકળતાં છાણ અને ગૌમુત્રનો પણ તેઓ પૂરેપુરો ઉપયોગ કરે છે. પોતાના ખેતરમાં જ તેઓ જીવામૃત અને ઘન જીવામૃત બનાવે છે, પોતાના ખેતરમાં ઉપયોગ તો કરે જ છે સાથે જે ખાતર વધે છે તેનું વેચાણ પણ કરે છે અને આ જ ગોબરના ઉપયોગથી હવે તેઓ રાખડી બનાવી રહ્યા છે.