એકબાજુ જ્યારે સરકાર વિજય રૂપણીના કાર્યકાળના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ દિવસોની ઉજવણી કરી રહ્યા છે તેમનો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજરોજ પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોજગારી દિવસ નિમિતે જિલ્લા રોજગારી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ સહિત સમગ્ર રાજયભરમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાનારા દિવસો સામે રોજબરોજ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ પણ એક જુથ થઈ અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું તેઓનું માનવું છે રોજગારી આપવા બાબતે ભાજપા સરકાર નિષ્ફળ નીવડી છે અને કોરોના મહામારીના કપરાકાળમાં લોકો બેરોજગાર બન્યા છે. કોરોના મહામારી બાદ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને સરકારી ભરતીયો પણ બંધ છે ત્યારે સરકાર રોજગારી દિવસ ઉજવી જ કઇ રીતે શકે..? તેવા આક્ષેપો લગાવામાં આવી રહ્યા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલાઓ અને પુરુષો એકજુથ થઈ ભાજપ સરકાર સામે નારા લગાવી જિલ્લા રોજગાર કચેરી ખાતે પહોચ્યા હતા અને કચેરીને તાળાબંધી કરવા અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચેરીને તાળાંબંધી કરવા જતાં પોલીસ કર્મીઓ અને કોંગ્રેસ જુથ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ભરૂચ પોલીસે 20 થી વધુ કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન પરિમલસિંહ રણા, વિક્કી શોખી, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, જયોતિબેન તડવી સહિતના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિધ્ધી પંચાલ, ભરુચ