ભરૂચ જિલ્લો અને તેને જોડતા વિસ્તારો સમગ્ર દેશમાં ઔધોગિક વિસ્તાર માટે પ્રચલિત છે. જેમાં ભરૂચ જીલ્લામાં રસ્તાઓમાં પડેલ ખાડાઓને કારણે ભરૂચની જાહેર જનતા ત્રસ્ત થવા પામી છે. રસ્તાઓમાં પડેલા મસ મોટા ખાડાઓને પગલે અકસ્માત અને ઇજાના બનાવો ઘણા વધી રહ્યા છે. જેને લઈને આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર સેવા સદનને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં દર 50 મીટરે ખાડાઓનું આધિપ્રત્ય અને સામ્રાજ્ય વ્યાપ્ત છે અને ચોમાસા પહેલા હાલ બનાવવામાં આવેલ રસ્તાઓ પર પણ ખાડાની ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. ખાડાઓની સંખ્યામાં જંગી વધારો થઈ રહ્યો છે ત્યારે સત્તાપક્ષના પ્રતિનિધિઓનું પેટનું પાણી હલી રહ્યું નથી. રોડ પરના ખાડાઓ એ સાબિત કરે છે કે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એનો ભોગ શહેર અને જિલ્લાની સામાન્ય જનતા બની રહી છે.
ભરૂચના સેવાશ્રમ, મહંમદપુરા, કસક, શક્તિનાથ અને જંબુસર ચોકડી એમ ચારેય દિશાઓની હાલત ત્રસ્ત છે. આ ખાડાઓના કારણે અસંખ્ય અકસ્માતો થઈ રહ્યા છે, ઘણાને ઇજાઓ પહોંચી રહી છે તો કેટલાય મોતને ભેટ્યા છે તો તેના માટે જવાબદાર કોણ..? તેવા અનેક પ્રશ્નો સાથે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર સેવા સદનને આવેદન આપી વહેલીતકે ભરૂચની જાહેર જનતાને થતી મુશ્કેલીનું નિવારણ આવે તેવી માંગ ઉઠી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ