વિશ્વની અંદર કોરોના ફરી એક વખત માથુ ઉંચકી રહ્યું છે. રશિયા સહિતના દેશોની અંદર ફરીથી કોરોના સંક્રમણને કારણે લોકોના મોત થઇ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. ચીન જેવા દેશોમાં પણ ત્રીજી લહેરની અસર ધીરે ધીરે શરૂ થઈ છે. તેવા સંજોગોમાં ગુજરાત અને દેશભરની અંદર કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે છે તેવું નિષ્ણાત ડોક્ટરો માની રહ્યા છે. તેવા સમયે આ પ્રકારની ગંભીર ભૂલ એ લોકોના જીવ માટે જોખમ પુરવાર થઈ શકે છે.
સુરતએ સૌથી વધુ હોટસ્પોટ તરીકે રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપને કારણે નોંધાયું છે. ત્યારે સૌથી વધુ અને ચીવટપૂર્વક કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટેના પગલાં લેવાને બદલે કોર્પોરેશન દ્વારા આ રીતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત કરીને જાણે પોતે જ કોરોના સંક્રમણની ગાઈડ લાઈન્સનું ઉલ્લંઘન કરવા માટે તત્પર બન્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે પાલિકા દ્વારા સંવેદના દિન-સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામ ઝોનમાં સેવા સેતુના કાર્યક્રમમાં શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પાલિકા કમિશનર પોતે હાજર રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેમની નજર સામે જ આ પ્રકારે કોરોના સંક્રમણની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિ આવી થઈ હોવા છતાં પણ કોઇ પગલાં લેવાયાં નહીં.કતારગામ કોમ્યુનિટી હોલની અંદર યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા. કોરોના સંક્રમણનું ભાન ભૂલ્યા હોય તે રીતે આયોજન કરવામાં આવ્યા હોવાના દૃશ્યો સ્પષ્ટ દેખાયા હતા. કતારગામ ઝોનના અનેક લોકો પોતાના કામકાજ માટે અહીં પહોંચ્યા હતા. કોઈકે વિદ્યા સહાયનું ફોર્મ ભરવાનું હતું તો કોઈકે આધાર કાર્ડ બનાવવાનો હતો તો કોઈ કે અન્ય કોઈ મહત્વના આવકના દાખલા જેવા દસ્તાવેજો બનાવવાના હતા.
કતારગામના લોકોની જનસંખ્યાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન અલગ રીતે કરી શકાય તેવી સ્થિતિ હોવા છતાં પણ માત્ર એક જ જગ્યા ઉપર તમામને બોલાવીને આ પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે શહેરના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને કમિશનર પોતે હાજર હોવા છતાં પણ આવી રીતનો કોરોના ગાઇડ લાઇન્સનો ઉલ્લંઘન કરતો કાર્યક્રમ કેવી રીતે યોજાયો તેને લઈને સૌ આશ્ચર્યમાં છે. લોકોના ટોળેટોળા ઉમટિયા હતા. ઘણા ખરા માસ્ક વગરના હતા તો ઘણાએ માસ્ક યોગ્ય રીતે પહેર્યો ન હતો.