સ્માર્ટ સિટીની વાતો કરતા કોર્પોરેશનના સત્તાધિશોને સ્થાનિક સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે શનિવારે દોઢ બાય દોઢ ફૂટનો ભૂવો પડતાની સાથે જ કોર્પોરેશનના સબંધિત વિભાગમાં ટેલિફોનીક રજૂઆત કરી હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો છે. આ ભૂવાના કારણે ટ્રાફિક વ્યવહાર ઉપર અસર પડી રહી છે. અલબત્ત આ ભૂવાના કારણે અકસ્માત સર્જાવાની પણ દહેશત છે. આવી રજૂઆત કરવા છતાં, કોર્પોરેશન દ્વારા દોઢ બાય દોઢ ફૂટનો ભૂવો પૂરવાની તસ્દી ન લેતા આ ભૂવો વધીને પાંચ બાય પાંચ ફૂટનો થઇ ગયો છે. આ ભૂવામાં આખે આખો માણસ અથવા વાહન ઉતરી જાય તેવો ભૂવો પડી ગયો છે.
વડોદરાના 24 કલાક વાહનોથી ધમધમતા ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ત્રણ દિવસ અગાઉ ભૂવો પડ્યો હતો. જો કે,ભૂવો પૂરવામાં પાલિકાએ ધ્યાન ન આપતા આ ભૂવો કૂવાની સાઇઝમાં ફેરવાઇ ગયો છે. ચાર રસ્તા પાસે જ ભૂવો પડવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ભૂવાના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામ થઇ જતો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
ન્યૂ વી.આઇ.પી. રોડ કહેવાતા રીંગ રોડ ઉપર આવેલા ખોડીયાર નગર ચાર રસ્તા ઉપર જ પડેલા વિશાળ ભૂવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ રોડ સતત વાહનોથી ધમધમતો હોવાના કારણે ભૂવાને પગલે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગી જાય છે. નોકરી-ધંધાર્થેથી ઘરે જતાં અને નોકરી-ધંધાર્થે જતા લોકોને ટ્રાફિક જામ હોવાથી સમયસર ઘરે અથવા નોકરીના સ્થળે પહોંચી શકતા નથી.