ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામે કોરોના વેક્સિનેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા વઢવાણા ગામે ગ્રામજનો તેમજ અગ્રણીઓના સહયોગથી રાજપારડીની આરોગ્ય ટીમના તાલુકા હેલ્થ સુપરવાઇઝર છોટુભાઈ વસાવા, એમ.પી.એચ.ડબલ્યુ.અશોકભાઈ જાની, હીનાબેન તેમજ દમયંતીબેન દ્વારા ગામના ફળીયાઓમાં ડોર ટુ ડોર સર્વે કરીને ગ્રામજનોને કોરોના રસી લેવા માટે જાગૃત કર્યા હતા. ઉપરાંત કોરોના સંબંધી નિયમોનું પાલન કરવા પણ સમજ આપી હતી. તેમજ વેક્સિનેશનના ફાયદા સમજાવ્યા હતા. આરોગ્ય ટીમ તેમજ ગામ અગ્રણીઓની સમજાવટથી ગ્રામજનોએ જાગૃત બનીને વેક્સિનેશનનો લાભ લીધો હતો.
આરોગ્ય વિભાગમાંથી મળતી વિગતો મુજબ વઢવાણા ગામે કુલ પુખ્ત વયના ૪૩૪ જેટલા લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો. રાજપારડી પીએચસીના ડો.મોઇન મલેકના માર્ગદર્શન હેઠળ પીએચસીની આરોગ્ય ટીમ દ્વારા વઢવાણા ગામે વેક્સિનેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી.આમ ઝઘડીયા તાલુકાના નાના એવા વઢવાણા ગામે વેક્સિનેશનનું ૧૦૦ ટકા લક્ષ્યાંક સંપન્ન થતા આ નાનુ ગામ અન્ય ગામો માટે પ્રેરણારુપ સાબિત થયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ