ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીજન્ય રોગચાળાનો વાવર ફેલાયો છે ત્યારે પાણીપૂરીની લારીઓ પર પાલિકાના ફૂડ વિભાગ સપાટો બોલાવ્યો હતો. વિવિધ વિસ્તારની 177 લારીઓ પર ચેકિંગ કરીને 101 કિલો વાસી બટાકા અને બિન આરોગ્યપ્રદ 555 લિટર પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.તેમજ તેલ, ચટણી સહિતના નમૂના લીધા હતા. ચોમાસામાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો માથું ઊંચકતો હોય છે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વડાધિકારીએ આપેલી સૂચનાના પગલે વડોદરા સહિત રાજ્યભરમાં પાણીપૂરીની લારીઓમાં રીતે ચેકિંગ હાથ ધરાયું હતું.જે અંતર્ગત શહેરમાં ગોરવા, અલકાપુરી, ગોત્રી, અકોટા, તાંદલજા, વાસણા, વાઘોડિયા રોડ, ઉકાજીનું વડીયું, આજવા રોડ, ખોડીયાર નગર, ન્યૂ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ, ન્યાયમંદિર અને રાજમહેલ રોડ વિસ્તારની પાણીપૂરીની 177 જેટલી લારીઓમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં પાણીપૂરીના પાણીના 32, પામોલિનના 4, કપાસિયા તેલના 1, ચટણીના 2 અને આટાના 2 નમૂના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
પાલિકાના ફૂડ વિભાગે પાણીપૂરીની લારીઓમાં તપાસ કરતા કેટલાંક સ્થળે વાસી બટાકા અને પાણી પીવાલાયક ન હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે 101 કિલો બટાકા, 555 લિટર પાણી, 107 લિટર ચટણી, 4 કિલો ચણા અને 80 કિલો આટાનો નાશ કર્યો હતો.